ગુજરાત

અમદાવાદમાં વેપારીઓમાં હજુ પણ વેકેશન મૂડ હોવાથી બજારો ખાલી ખમ

ગત વર્ષે કોરોનાના કારણે બજારમાં વેપાર ધંધાને અસર પહોંચી હતી. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઓછા હોવાથી વેપાર ધંધા પ્રમાણમાં સારા ચાલ્યાં છે. જેથી વેપારીઓ પણ નિશ્ચિંત થઈને દિવાળીની રજાઓ માણી રહ્યાં છે. બીજી તરફ વેકેશન હોવાથી લોકો પણ હજી ફરવાના મુડમાં છે. જેથી બજારોમાં ઘરાકી નહીં ઉઘડી હોવાથી દુકાનો હજી સુધી ખુલી નથી. જે હવે સાતમ કે અગિયારસના મુહૂર્તમાં ખુલશે. કાલુપુર માર્કેટના ડ્રાયફ્રૂટના એક વેપારી નીરવભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળી અગાઉ સારો વેપાર થયો છે. બેસતા વર્ષના દિવસથી વેપારીઓએ રજા રાખી હતી. આજે શુભ મુહૂર્તમાં દુકાન શરૂ કરી છે. પરંતુ હજી બજારમાં અનેક દુકાનો બંધ છે.જે સાતમ અથવા અગિયારસથી શરૂ થશે. અગિયારસ બાદ જ હવે બજારે પહેલાની જેમ રાબેતા મુજબ શરૂ થશે.અન્ય એક વેપારીએ કહ્યું હતું કે હાલમાં લોકો ફરવા ગયા હોવાથી માર્કેટમાં ગ્રાહકોની ભીડ નથી. ઘરાકી થતી નથી. જેથી હવે સોમવારથી જ દુકાનો શરૂ થાય તેવું લાગી રહ્યું છે.કોરોના કાળ બાદ હવે લોકોને મોજ કરવા મળી છે. સંક્રમણ ઓસરી જતાં તમામ જગ્યાઓ હવે ખુલી ગઈ છે. જેથી લોકો વેકેશનમાં પરિવાર સાથે પર્યટન સ્થળો પર ફરવા નીકળી ગયાં છે. દિવાળી પુરી થઈ અને લાભ પાંચમે બજારમાં મુહૂર્ત પણ થયાં પરંતુ લોકોની અવરજવર નહીં હોવાથી બજારમાં ઘરાકી જ નથી. જેથી સોમવારથી જ બજારો રાબેતા મુજબ શરૂ થશે તેવું અમદાવાદના વેપારીઓ જણાવી રહ્યાં છે. અમદાવાદ શહેરના કાલુપુર ચોખા બજાર, મસ્કતી કાપડ માર્કેટ, માધુપુરા માર્કેટ, ટંકશાળ, રતનપોળ, ગાંધી રોડ સહિતના અનેક બજારો દિવાળીના પાંચ દિવસ બંધ હતાં. જે આજે લાભ પાંચમના દિવસે મુહૂર્ત પ્રમાણે શરૂ થયાં છે. તમામ બજારોમાં અનેક વેપારીઓએ દુકાનો ખોલી છે પરંતુ હજુ સુધી મોટાભાગની દુકાનો બંધ છે. એટલે કે સોમવારથી જ દુકાનો રાબેતા મુજબ શરૂ થશે.

Related Posts