ગુજરાત

અમદાવાદમાં સ્કૂલે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ના દીધા, વાલીઓએ કર્યો હોબાળો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ સ્કૂલમાં સવારે પ્રિન્સિપાલ દ્વારા ફી ન ભરનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન બેસવા દેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ તેમના વાલી દ્વારા બપોર સુધીમાં ફી ભરી દેવામાં આવશે અમને પરીક્ષા આપવા દો તેવી રજૂઆત કરી હતી છતાં પણ પ્રિન્સિપાલ દ્વારા તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ઘરે પરત જતા રહ્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કરતા તેઓના વાલીઓ દોડી આવ્યા હતા. પોલીસ અને વાલીઓની સમજાવટ બાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા હતા. મળતી માહિતી મુજબ આજથી શેરની કેટલીક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ વિદ્યા સંકુલ નામની સ્કૂલમાં સવારે પરીક્ષા હતી ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

જેમાં કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી હતી જેના કારણે સવારે પ્રિન્સિપાલ જયંતિ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવામાં દેવામાં નહીં આવે તેમ કહ્યું હતું જેથી વાલીઓ તાત્કાલિક સ્કૂલે દોડી આવ્યા હતા. વાલીઓના જણાવ્યા મુજબ આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે પરીક્ષામાં બેસવા દીધા ન હતા. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ આવી હતી અને ફી ભરવા બાબતે સમજાવટ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા હતા જાેકે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ન બેસવા દેવામાં આવતા ઘરે પરત ફરી ગયા હતા તેઓની પરીક્ષા પાછળથી લેવામાં આવશે.

સ્કૂલના પ્રિન્સિપાલ જયંતિ પટેલે જણાવ્યું હતું કે ૨૦ દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જૂન, જુલાઈ અને ઓગસ્ટની ફી જે વિદ્યાર્થીઓને ભરવાની બાકી છે તે ભરી દેજાે. જાે ન થઈ શકે તો લેખિતમાં જાણ કરજાે પરંતુ ફી કેટલાક વિદ્યાર્થીઓ ભરી ન હતી.અમે પરીક્ષામાં બેસવાની ના પાડી નથી. જ્યારે પરીક્ષાનો બેલ પડ્યો ત્યારબાદ અમે તેમને પરીક્ષામાં બેસવા દીધા હતા. જાે વાલીઓ દ્વારા ફી નહીં ભરવામાં આવે તો શિક્ષકોનો પગાર કઈ રીતે કરીશું? ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓ સવારથી બહાર બેસી રહ્યા હતા પરંતુ પરીક્ષાનો બેલ પડ્યા બાદ તેઓને અમે પરીક્ષામાં બેસવા દીધા હતા.

Related Posts