અમદાવાદમાં હાઈ સ્પીડમાં આવતી કારે બે ઈસ્મને કચડી નાંખ્યા
અમદાવાદના મણિપુરમાં રહેતો સારંગ સુભાષ કોઠારી(૨૧) અને મિત્ર સુરેશ સરદારજી ઠાકોર(૨૨) સરખેજની જસ્ટ ડોગ નામની ઓફિસમાં નોકરી કરતા હતા. તેઓ નિત્યક્રમ અનુસાર નોકરી પૂરી કરીને સારંગ અને સુરેશ સારંગના બાઈક પર ઘરે આવવા નીકળ્યા હતા, બંને મિત્રો કર્ણાવતી ક્લબ પાછળના મોહંમદપુરા ઝવેરી સર્કલથી એસપી રિંગરોડ તરફ જતા હતા, ત્યારે સામેથી પૂરઝડપે રોંગ સાઈડે આવેલી થાર જીપે સારંગના બાઈકને ટક્કર મારી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત થતાં જ સારંગનું બાઈક તૂટી ગયું હતું, જ્યારે જીપના આગળના ભાગનો ખૂરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં સુરેશ અને સારંગ બાઈકથી ૧૫ થી ૨૦ ફૂટ દૂર સુધી ફંગોળાતાં માથા-શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી સુરેશ અને સારંગના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં રાહદારીઓએ ભેગા થઇ પોલીસને જાણ કરતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી.
પોલીસે સુરેશ અને સારંગના પરિવારને જાણ કરતાં તે આવી પહોંય્યા હતા. આ અંગે સારંગના પિતા સુભાષ કોઠારીએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા થારચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી હતી. જાે કે ઘટનાના ૨૪ કલાક પછી પણ પોલીસ થારચાલકને પકડી શકી નથી. આ સાથે જ સ્થાનિકોમાં ફરી એક વખત વિસ્મય શાહ કેસ જેવી જ ઘટના બની હોવાની ચર્ચાએ જાેર પકડ્યું હતું. કાર પર નંબર પ્લેટ નહોવાથી પોલીસે આરટીઓની મદદથી વધુ તપાસ આગળ વધારી છે. જે જગ્યાએ અકસ્માત થયો તે રોડ પર ક્યાંય સીસીટીવી કેમેરા લાગેલા નથી. નજીકમાં કોઇ દુકાન કે રહેણાક પણ નથી.
જેથી ઘટના સ્થળની આસપાસના રસ્તા પરના સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરુ કર્યું છે. આરોપીને પકડવામાં સમય લાગશે તેવું પોલીસનું કહેવું છે. જે થાર જીપથી અકસ્માત થયો હતો, તેની આગળ-પાછળ નંબર પ્લેટ લાગેલી નહોતી. જેથી આ જીપ કોની છે અને જીપ કોણ ચલાવતું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતના સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, તેમજ આ ઘટના નજરે જાેનાર પણ કોઈ નથી. અકસ્માત બાદ બંને વાહન પડ્યા હતાં તે જાેતાં જીપ રોંગ સાઈડ આવી હોવાનું પુરવાર થયું હતું, પરંતુ ખરેખર અકસ્માત થયો ત્યારે જીપની સ્પીડ કેટલી હતી અને અકસ્માત કેવી રીતે થયો તે જાણવા પોલીસે એફએસએલ અને આરટીઓની મદદ લઈ રહી છે.
સુરેશ અને સારંગને કચડી મારનાર જીપચાલકને જરા પણ વાગ્યુ નહીં હોવાનું પોલીસનું કહેવું છે. તેનું કારણ એ છે કે જીપની અંદર ક્યાંય લોહીના ડાઘા મળ્યા નથી. જેથી અકસ્માત થયા પછી જીપ ચાલક જાતે જ જીપમાંથી ઉતરીને ભાગ્યો હોવાની આશંકા છે, જાે કે તેણે થોડે દૂર જઈને કોઈને ફોન કરીને બોલાવ્યા હોવાની શંકા પણ પોલીસે નકારી નથી.
Recent Comments