અમદાવાદમાં ૧૪૪મી રથયાત્રાઃ આવતીકાલે સવારે ૮ વાગ્યે નેત્રોત્સવ વિધિ યોજાશે
અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે સરકારે લીલીઝંડી આપી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, ૧૨ જૂલાઈને સોમવારે રથયાત્રાના રૂટ ઉપર કરફ્યુ રહેશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ આજે જગન્નાથજીની મંદિરના ટ્રસ્ટી અને મહંત દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા વિશે સમગ્ર પ્લાન જણાવવામાં આવ્યો છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
જગન્નાથજીની મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા માટે સરકારની પરમિશન મળી ગઈ છે. રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે. આવતીકાલ (૧૦મી જુલાઈ)થી રથયાત્રાને લગતી વિધીઓ શરૂ થશે, જેમાં આવતીકાલે સવારે ૮ વાગ્યે જગન્નાથજી મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. ૧૧ જુલાઈએ સોનાવેશ શણગાર સજીને ભક્તોને દર્શન આપશે.
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રાના દિવસે સમગ્ર પ્લાન વિશે જણાવ્યું હતું કે, ૧૨ જુલાઈએ સવારે ૪ વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. સવારે ૫.૪૫ વાગ્યે ભગવાન રથમાં બિરાજશે. સવારે ૭ વાગ્યે સીએમ, ના.મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે. રસ્તામાં પ્રસાદ વિતરણ નહીં કરવામાં આવે. ગુરૂપૂર્ણિમા સુધી મંદિરમાં મગનો પ્રસાદ અપાશે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી લોકોને અપીલ છે કે લોકો ઘરમાં બેસીને રથયાત્રા નીકાળે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી અને પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે
.
ભગવાન જગન્નાથ મંદિર દ્વારા ખલાસી ભાઈઓને ગાઈડલાઈન મુજબ સૂચના જાહેર કરવામાં આવી છે કે, ૬૦ ખલાસી ભાઈઓ સવારે રથ સરસપુર સુધી લઈ જશે. બીજા ૬૦ ખલાસી ભાઈઓ સરસપુરથી નિજમંદિર પરત લાવશે. આવતીકાલે શનિવારે રથયાત્રા પૂર્વે યોજાતી નેત્રોત્સવ વિધિ થશે. ૯.૩૦ વાગ્યે ધ્વજારોહણની વિધી યોજાશે. રથયાત્રાના આગળના દિવસે રથનું પૂજન કરશે. રથયાત્રામાં જમાલપુર દરવાજાથી સ્વાગતની પરંપરા છે પરંતુ આ વર્ષે ક્યાંય રથ રોકાશે નહી. કોઈએ સ્વાગત કરવા રોડ પર આવવું નહીં. રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો.
Recent Comments