fbpx
ગુજરાત

અમદાવાદમાં ૩.૬૫ કરોડનો કોન્ટ્રાક્ટ બે કોન્ટ્રાક્ટરોને સોંપાયો

મોસાળમાં મા પિરસે તો છોકરા ભૂખ્યા રહે ક્યારેય…. તેવું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના ગાર્ડન વિભાગમાં કામગીરી માટે હવે માત્ર બે માનીતા કોન્ટ્રાક્ટરોને ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટ અપાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. શહેરમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવાનું અને તેને મેઇન્ટેન કરવાનું, ગાર્ડન રીડેવલપમેન્ટ હોય અથવા તો અન્ય કોઇ કામગીરી હોય તો માત્ર નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટ અને આનંદ ગાર્ડન કન્સલ્ટનસી નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રિક્રિએશનલ કમિટીમાં મુકવામાં આવે છે.

આગામી બુધવારે મળનારી રિક્રિએશનલ કમિટીમાં આ બે કંપનીઓને અંદાજીત ભાવ કરતાં વધુ ભાવ આપી અને કુલ ૩.૬૩ કરોડના કુલ ૫ કામ આપવાની દરખાસ્ત મુકવામા આવી છે. કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પોતાની મીલીભગત કરી અને પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને પ્રજાના પૈસે ફાયદો કરાવવા માટે આ રીતે દરખાસ્તો લાવી અને કામગીરી સોંપવામાં આવે છે અને પાછળથી પ્રજાને કોઈ નક્કર પરિણામ મળતું નથી.

ગત ૩૦ જુલાઇના રોજ મળેલી રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુ દવેની ઉપસ્થિતિમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડી અને તેને મેઇન્ટેન કરવા માટે બે ઝોનમાં નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટને રૂ. ૭૯.૭૧ લાખ અને આનંદ ગાર્ડન કન્સલ્ટનસીને ૭૯.૭૧ લાખના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ એ પણ પોતાની કમિટીમાં તેને ચૂપચાપ મંજૂર કરી દીધું હતું.

આગામી બુધવારે ૧૦ ઓગસ્ટના રોજ મળનારી રિક્રિએશનલ કમિટીમાં પણ મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડી મેઇન્ટેન કરવા મધ્ય ઝોનમાં નીલકંઠ લેન્ડસ્કેપ એસોસીએટ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આનંદ ગાર્ડન કન્સલ્ટનસીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. અગાઉ આ બંને કંપનીને આ જ માટે અન્ય ઝોનમાં પણ કામગીરી સોંપાઈ છે.

બાપુનગર અને અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ગાર્ડનને રીડેવલપમેન્ટ કરવા માટે અંદાજીત ભાવ કરતા ૨૫ ટકા વધુ ભાવ આપી અને બાપુનગરનું રૂ. ૮૦.૧૦ લાખ તેમજ અમરાઈવાડીમાં રૂ. ૬૧.૯૦ લાખનો કોન્ટ્રાક્ટ નીલકંઠ લેન્ડસ્કેપ એસોસીએટને આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે તો પાલડી વિસ્તારમાં આવેલા સુખીપુરા ગાર્ડનને રી ડેવલોપમેન્ટ કરવા માટે અંદાજીત ભાવ કરતા ૫ ટકા વધુ રૂ. ૬૧.૫૬ લાખના ખર્ચે આનંદ ગાર્ડન કન્સલ્ટનસીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

Follow Me:

Related Posts