અમદાવાદ ખાતે કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રીએ બાવળા- ધોળકા રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા અને બાવળામાં સફાઈ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા બાબતે રજૂઆત કરી હતી.
આ ઉપરાંત એસ. ટી. બસ સ્ટોપેજ, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સ્થળ પર જ કીટનું વિતરણ, ગટર અને સેનિટેશનને લગતા પ્રશ્નો, આપવા સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, ધારાસભ્યો સર્વશ્રી કિરીટસિંહ ડાભી, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટરશ્રી સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી હાર્દ શાહ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments