અમદાવાદ મહાનગરપાલિકાએ શાહીબાગમાં AAPના બેનર હટાવતા વિવાદ, AMCના કર્મચારી-કાર્યકરો આમને-સામને

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આમ આદમી પાર્ટીના બેનર ઉતારી દેવામાં આવતા વિવાદ થયો હતો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કોર્પોરેશને આમ આદમી પાર્ટીના બેનર હટાવ્યા હતા. જે બાદ કોર્પોરેશનના કર્મચારી અને આપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
AMCએ આમઆદમી પાર્ટીના બેનર હટાવ્યા બાદ આપના નેતા ઇસુદાન ગઢવીએ પ્રહાર કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપના કેટલાક લોકોએ આપના પોસ્ટર ફાડી દીધા છે. એએમસી પણ આપના પોસ્ટર હટાવતી હોવાની ફરિયાદ મળી છે. ભાજપ નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહી છે. બીજી તરફ અમદાવાદના મેયરે કહ્યુ કે AMCએ આપના બેનર હટાવ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તાજેતરમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદમાં આવી રહ્યા છે અને 2 એપ્રિલે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રોડ શો કરશે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે.
અરવિંદ કેજરીવાલની હાજરીમાં ગુજરાતના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. કેજરીવાલ પ્રથમ દિવસે 3 મિટિંગ અને સાંજે 4.30થી 6.30 સુધી રોડ શો કરશે. રોડ શોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ જોડાશે. 3જી તારીખે કેજરીવાલ કાર્યકરોને સંબોધશે.
Recent Comments