અમદાવાદ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી ર્નિણય કર્યો છે. આ રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ વિગેરે માટે ૩૫૪.૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૬ કામો માટે ૮૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ૨ રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે ૮ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ ૪૧ કામો માટે રૂ. ૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. ૧૬૪ કરોડ ફાળવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલીકા વિસ્તારના બહુવિધ વિકાસ કામો માટે ૭૦૨ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આના પરિણામે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.
Recent Comments