અમદાવાદ સિવિલમાં દોઢ મહિનામાં ૫ હજારથી વધુ બાળકોએ સારવાર લીધી
અમદાવાદ શહેર તથા ગુજરાતમાં હવે કોરોના કેસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોવિડની સારવાર કરતી અનેક મોટી હોસ્પિટલોમાં હવે અન્ય બીમારીની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ હવે ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં બાળકોની પણ લાઇનો જાેવા મળી રહી છે.
અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે, પરંતુ વરસાદ ન થતાં ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણી જગન્ય રોગોની સંખ્યા વધી રહી છે. જેથી હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની બાળકોની ઓપીડીમાં ૫ હજાર કરતા વધુ બાળકો સારવાર માટે આવ્યા છે.
અમદાવાદ સિવિલમાં આવેલી ઓપીડીમાં જુલાઈ મહિનામાં ૨૯૦૦ બાળકોએ સારવાર લીધી જેમાંથી ૧,૦૩૭ બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. ચાલુ મહિનામાં ૧૬ ઓગસ્ટ સુધીમાં ૧૯૦૦ જેટલા બાળકો ઓપીડીમાં સારવાર માટે નોંધાયા, જેમાંથી ૬૩૬ બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં બીમાર પડી રહેલા બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ જણાવ્યું કે અત્યારે પાણી અને મચ્છરજન્ય રોગોથી બાળકોને બચાવવાની જરૂર છે. ઘરમાં પાણીનો સંગ્રહ ના થાય, આપણે ચોખ્ખાઈ રાખીએ તે જરૂરી બન્યું છે. બાળકોને બિનજરૂરી બહાર મોકલવાનું ટાળવું જરૂરી છે, બાળકને પુરી સ્લીવના કપડાં પહેરાવવા જાેઈએ. જે બાળકો છેલ્લા બે મહિનામાં બીમાર થયા છે એમનામાં સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ, ઉધરસ, ઝાડા-ઉલ્ટી, હિપેટાઇટિસ અને કમળાનું સમસ્યા જાેવા મળી રહી છે.
Recent Comments