અમરગઢ ખાતે ખેતી પાકોના મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવા માટે રચાયેલ અમરકૃષિ ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડના વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન
થોડા સમય પહેલા કેન્દ્ર સરકારના એકમ એવા નાબાર્ડના સહયોગથી ભાવનગર જિલ્લાના ખેડૂતો તેમનાં કૃષિ પાકોના મૂલ્યવર્ધનથી વધુ આવક મેળવી શકે તે માટે એક પેઢીનું ગઠન કરવામાં આવ્યું હતું.
તે અંતર્ગત અમરગઢ ખાતે ખેતી પાકોના મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવા માટે રચાયેલ અમરકૃષિ ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડના વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે કર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ આ અવસરે જણાવ્યું કે, ભાવનગરના કૃષિકારોના બાવળામાં બળ છે. તે સાથે તેમને ઉત્પાદિત કરેલી કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા વધુ આવક મેળવી શકે તે માટેનું આ સ્તુત્ય પગલું છે. નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ કંપનીના સાથ સહકારથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ થવાનો છે.
સિહોર તાલુકાના અમરગઢ આજુબાજુના ગામોના ખેડૂતોની ભાગીદારી સાથે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાના ખેતી પાકોના મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવા એક પેઢીની રચના થોડા સમય પહેલા કરવામાં આવી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે નાબાર્ડના અધિકારી શ્રી દિપકકુમાર ખલાસ, વી.આર.ટી.આઈ. સંસ્થાના વડા શ્રી નીતિનભાઈ દવે તથા શ્રી મનુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અમરકૃષિ ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા ખેતી વિષયક ઉત્પાદન અને વ્યાપાર માટે હવે વિધિવત રીતે કામગીરી હાથ ધરાશે. જેનો લાભ જિલ્લાના ખેડૂતોને મોટા પ્રમાણમાં થશે.
સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી રંજનબેન પંડ્યા અને હોદ્દેદારોએ સૌને આવકારી સૌના સાથ- સૌના સહકારથી કૃષિને વધુ સમૃદ્ધ કરવાં માટે આ ઉપક્રમ ઉપયોગી બની રહેશે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તા આગેવાનોએ અમરગઢ વિસ્તારના ખેડૂતોના આ નૂતન સાહસને બિરદાવી ભવિષ્યની સફળતા માટેની શુભકામના પાઠવી હતી
Recent Comments