અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી પર હુમલો કરનાર ૨ વ્યક્તિની ધરપકડ
શહેરમાં આવેલા અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અધિકારી પર હુમલો થયો હોવાની ઘટના બની હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બનાવનાર પોલીસ કર્મી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા જે દરમિયાન બે શખ્સોએ બોલાચાલી કરી માર માર્યો હતો. જેને લઈને પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નીનામા બુધવારે સાંજના સમયે અમરાઈવાડીમાં ઓમ નગર પાસે આવેલા ખુલ્લા મેદાન પાસે પોતાનો મોટરસાયકલ લઈને ઉભા હતા. જે દરમિયાન બે શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને તું પોલીસવાળો છે અને ડી સ્ટાફમાં નોકરી કરે છે, તેવું કહીને ગાળા ગાળી કરી હતી. પોલીસકર્મી પ્રકાશ નીનામાએ બંને યુવકોને ઝઘડો કરવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી.
તેમજ પોલીસકર્મીની બાઈકને નીચે પાડી પેટ્રોલની ટાંકી અને અન્ય જગ્યાઓ પર નુકસાન કર્યું હતું. જે સમયે આસપાસના લોકો એકત્ર થઈ જતા બંને યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો અને અમરાઈવાડી પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ નીરજ સરોજ અને પવન પાસી છે. આરોપીઓમાં પવન પાસે અગાઉ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે મારામારીના ગુનામાં અને દસ વર્ષ પહેલા રામોલમાં હત્યાના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. જાે કે, અન્ય આરોપી નીરજ સરોજ જાહેરનામા ભંગ અને હથિયાર રાખવા સહિતના ગુનામાં પકડાયો હતો. આરોપીઓ નશાની ટેવ ધરાવતા હોય અને અગાઉ પણ પોલીસ કર્મી પર હુમલા જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા હોય તેવામાં અમરાઈવાડી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.
Recent Comments