ગુજરાત

અમરાઇવાડી શિવાનંદનગરમાં નવજાત બાળકીનો મૃતદેહ ગટરમાંથી મળતા ચકચાર

અમદાવાદના પરા વિસ્તાર અમરાઇવાડીમાં શિવાનંદનગર વિસ્તારની એક ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. પોલીસે અજ્ઞાત લોકો સામે તાજા જન્મેલા બાળકને ત્યજી દેવા અંગેનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરાઇવાડીમાં રહેતા કમલ કિશોર દોહરે મંગળવારે શિવાનંદનગર તરફ જતા હતા. ત્યારે તેમને એક જગ્યાએ ટોળું એકઠું થયું હોવાનું દેખાયું હતું. તેમને વાવાઝોડામાં કશુક અજુગતું થયાનું લાગ્યું હતું. તેથી મનમાં થોડી ચિંતા સાથે તેઓ ટોળા તરફ ગયા હતા અને જાેયું કે એએમસીના સફાઇ કર્મીઓ શિવાનંદનગરના બ્લોક પાસેના એક ઘર નજીકની ગટર સાફ કરી રહ્યા હતા.

સફાઇ દરમિયાન જ કર્મચારીઓને એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ટોળું એકઠું થયું હતું. ચર્ચા થઇ રહી હતી કે કોઇએ જન્મ છુપાવવા માટે આ બાળકીને ગટરમાં નાંખી દીધી હશે. લોકમુખે અનેક વાતો થઇ રહી હતી. ત્યારે સફાઇ કર્મીઓએ મૃત બાળકીને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા નજીકના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાંથી કોફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ જવાનોએ આવીને સ્થાનિક લોકોની અને સફાઇ કર્મચારીઓની પ્રાથમિક પુછપરછ કરી હતી. ત્યાર બાદ પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે નવજાત બાળકને ત્યજી દેવાની આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ આવા અનેક મુત બાળકો મળી આવ્યા છે પરંતુ પોલીસ દ્વારા તે ગુના હજુ શોધી શકાયા નથી.

Related Posts