અમરેલીથી વેરાવળ અને જૂનાગઢનો ટ્રેન વ્યવહાર આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ફરી શરૂ થશે.
રેલવેએ કોરોના મહામારીમાં બંધ કરેલ મીટરગેજ ટ્રેનને ફરી શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, અમરેલીથી વેરાવળ અને જૂનાગઢનો ટ્રેન વ્યવહાર આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ફરી શરૂ થશે. બંધ કરેલી ટ્રેન ફરી શરૂ કરવા માટે જુદી જુદી સંસ્થાઓ અને મુસાફરોમાં માંગ ઉઠી હતી.
અમરેલી રેલવે સ્ટેશન પરથી ઉપડતી અમરેલી- વેરાવળ અને અમરેલી – જૂનાગઢ ટ્રેન છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ છે. છ માસ પહેલા રેલવે તંત્રએ લોકોની માંગણીને ધ્યાને રાખીને અમરેલીથી ૮ ઃ ૪૫ ઉપડતી અમરેલી – વેરાવળ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી હતી. પણ હજુ ૧૨ઃ ૩૦ કલાકે ઉપડતી અમરેલી- વેરાવળ અને સવારે ૬ઃ ૪૫ ઉપડતી અમરેલી – જૂનાગઢ ટ્રેન બંધ છે.
ટ્રેન વ્યવહાર બંધ હોવાના કારણે મુસાફરો અને જુદી જુદી સંસ્થાઓએ આ બંને ટ્રેન શરૂ કરવા માટે માંગણી કરી હતી. પણ હવે ભાવનગર રેલવે મંડળે કોરોના મહામારીમાં બંધ કરેલી મીટરગેજ ટ્રેન ફરી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. રેલવેના સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીથી વેરાવળ અને જૂનાગઢની ટ્રેન ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. પણ હજુ સુધી રેલવેએ આ ટ્રેન શરૂ કરવા માટે ચોક્કસ તારીખ જાહેર કરી નથી. બીજી રેલવેએ ટ્રેન શરૂ કરવાની સમગ્ર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહી ક્રેનની મદદથી લોકો એન્જીનને ઉપાડી પાટાપર લેવાય રહ્યા છે. રેલવે સ્ટાફે એન્જીનની ચકાસણી શરૂ કરી દીધી છે.
અમરેલી રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ ટાઈમ લાઈન કે પછી ભાડાપત્ર જાહેર થયું ન હતું. પણ છ માસ પહેલા શરૂ થયેલ સ્પેશ્યલ ટ્રેનમાં અમરેલીથી વેરાવળનું ભાડું રૂપિયા ૩૫થી વધારી ૬૫ કરી દેવાયું હતું. પણ હવે મીટરગેજ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ ટ્રેનમાં ભાડા અગાઉ હતા તે મુજબ થશે.
Recent Comments