અમરેલીના પ્રજાજનોનો આરોગ્ય તંત્રની મૅગા વેક્સિનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલ
રાજ્ય સરકાર દ્વારા ૧લી એપ્રિલથી સમગ્ર રાજ્યભરમાં ૪૫થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના વિરોધી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં પણ આ માટે સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તા. ૧ એપ્રિલના અમરેલી જિલ્લામાં કુલ ૧૩૫૬૪ લોકોને અને તા. ૨ એપ્રિલના ૯૮૩૬ લોકોને એમ કુલ મળી છેલ્લા બે દિવસમાં ૨૩૩૯૭ જેટલા લોકોને કોવીડ-૧૯ ની વેક્સીન આપવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા અમરેલી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલ જણાવે છે કે અમરેલીના પ્રજાજનોનો આરોગ્ય તંત્રની મૅગા વેક્સિનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ આપ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ, સામાજીક કાર્યકરો તથા અન્ય સંગઠનો સૌ સાથે મળી રસીકરણના અભિયાનને વ્યાપક બનાવવા પ્રયત્નશીલ છે. કોરોના સામે લડવાના બે અમોઘ શસ્ત્ર વેક્સિન અને માસ્ક છે ત્યારે લોકો સત્વરે રસી મેળવે અને તેઓમાં એન્ટીબોડી ડેવલપ થાય તે કોરોનાને નાથવાનો શ્રેષ્ઠ રસ્તો છે.
રાજ્યમાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મૅગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકિય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી નાગરિકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
૪૫ થી વધુ વયજુથના નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.
નોંધનીય છે કે સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જેવી સુવિધાઓ થકી અમરેલીમાં કોરોનાના પ્રથમ દર્દી મળી આવ્યા ત્યારથી આજસુધી સંક્રમણને નાથવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે
Recent Comments