અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના મોટા માચિયાળા ગામે ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- ૧માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રુપે શૈક્ષણિક કિટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘે જણાવ્યુ કે, બાળકો આગળ વધે તે માટે તેમનામાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરુરી છે. આ માટે શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા આવશ્યક છે, તેમાં સહભાગી થવાથી બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલી ઊઠે છે. સ્વસ્થ અને આદર્શ નાગરિકના નિર્માણમાં શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે, વિદ્યાર્થીઓ શાળામાંથી સફળ જીવનના આધાર સ્તંભ ગુણો આત્મસાત કરતા હોય છે.
બાળવયના વિદ્યાર્થીઓની ઉર્જાને યોગ્ય દિશા આપી ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય છે. વિદ્યાર્થીઓના ગુજરાતી, હિન્દીની અને અંગ્રેજી ભાષાના અભ્યાસને મહત્વ આપવા જણાવ્યું. જિલ્લા પોલીસ વડાએ મહિલાઓ માટે કેન્દ્ર – રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિનો ઉલ્લેખ કરી કન્યા કેળવણીનું મહત્વ જણાવ્યુ.
આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટા માચિયાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અને પર્યાવરણ કાળજી માટેના પગલાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી જે.બી. દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરેશભાઈ ભુવા, સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ધાધલ, અગ્રણી શ્રી રાજુભાઈ ધાનાણી, સી.આર.સી. શ્રી રવિ મહેતા, શાળાના આચાર્ય શ્રીમતી કૈલાશબેન ભટ્ટી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments