અમરેલીના લાખાપાદર મુકામે કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં બિરાજે છે સ્વંયભૂ શ્રી બુઢેશ્વર મહાદેવ
ગુજરાત કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ સમૃદ્ધ અને ધાર્મિક અને આધ્યાત્મિક રીતે આસ્થાનું કેન્દ્ર ધરાવતું રાજ્ય છે. અહીં ૨૩ જેટલા વન્યપ્રાણી અભ્યારણ્યો અને ૪ નેશનલ પાર્ક આવેલા છે તો નર્મદા, સાબરમતી અને તાપી જેવી નદીઓનો પ્રવાહ પણ છે. ગુજરાતને ૧,૬૦૦ કી.મી.નો લાંબો દરિયાકિનારો મળ્યો છે. દ્વારકા, સોમનાથ જેવા તીર્થસ્થાનો પણ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે આવેલા છે. આમ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેક સમૃદ્ધ સ્થળો છે. ગુજરાત, ગુજરાતી અને તેનું ગૌરવસમું સમૃદ્ધ સૌંદર્ય વિશ્વના અનેક પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
વિશ્વ પ્રસિદ્ધ ગીર સોમનાથ, બોટાદ અને જુનાગઢ સહિતના જિલ્લાઓની સાથે સીમાડાઓ જોડાયેલા છે તેવા અમરેલી જિલ્લામાં પણ કુદરતનું અપાર વ્હાલ વરસ્યું છે. જિલ્લામાં આંબરડી સફારી પાર્ક, અનેક નાની – મોટી નદીઓ, કુદરતી વનરાજી ઉપરાંત અનેક આસ્થાના કેન્દ્ર સમા મંદિરો જેવા અનેકવિધ આકર્ષણ છે. કેટલાય પ્રવાસીઓ અમરેલી જિલ્લામાં આવેલ આંબરડી સફારી પાર્કની મુલાકાતે આવે છે. ગીર અભ્યારણ્યનો પૂર્વ ભાગ અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ છે એટલે વૃક્ષોની વનરાજી ઉપરાંત ડાલામથા સિંહની આ ભોમકા છે. અમરેલી જિલ્લાના કુદરતી, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધયાત્મિક પ્રવાસન સ્થળોમાં વધુ એક ધાર્મિક સ્થળ છે.
આ સ્થળ એટલે કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં અમરેલીના ધારી તાલુકાના લાખાપાદર મુકામે આવેલ ૩૦૦ વર્ષથી પણ વધુ જૂનું સ્વંયભૂ શ્રી બુઢેશ્વર મહાદેવનું મંદિર. લાખાપાદર ગામની ચારેય બાજુ વનરાજી છે. અહીં નાની-મોટી પહાડીઓ પણ છે. સ્વંયભૂ શ્રી બુઢેશ્વર મહાદેવના મંદિરે શેલ, ગૌમુખી અને અન્ય એક નદીનો ત્રિવેણી સંગમ છે, જેનું ભક્તજનોમાં અનેરું મહાત્મય છે. તેનાથી નજીકમાં ખોડીયાર જળાશય છે, ઉપરાંત ગળધરા ખાતે પ્રસિદ્ધ શ્રી ખોડીયાર માતા બિરાજે છે.
સ્વંયભૂ શ્રી બુઢેશ્વર મહાદેવના મંદિરના ઈતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, આ મંદિર ૩૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર છે. અમરેલીના નેસડી ગામના વતની સોજિત્રા પટેલ ભાઈને એક વખત (ત્રણસો વર્ષ પૂર્વે) શિવજી સપનામાં આવે છે. શિવજીએ તેમને સપનામાં લાખાપાદર મુકામે જગ્યા બતાવી અને કહ્યુ કે, શિવલિંગ આ જગ્યાએ જાળ નામના વૃક્ષના ખાખવામાં નીચે ધરબાયેલું છે. તે શિવલિંગને બહાર કાઢીને ત્યાં મહાદેવનું મંદિર ત્યાં બનાવ અને તારા પોતાના ખેતરમાં તારા નસીબનો ચાંદીથી ભરેલો ઘડુલો (લોકો તેને માયા મળી એવું કહેતા હોય છે.) છે, જે તું મારી બતાવેલ જગ્યાએથી કાઢી લેજે. ત્યારબાદ પટેલભાઈએ સપનામાં આવેલ શિવજીની આસ્થાએ બતાવેલ જગ્યાએથી શિવલિંગને બહાર કાઢીને એ જ જગ્યાએ પોતાને મળેલી માયામાંથી સ્વંયભૂ શ્રી બુઢેશ્વર શિવજી મહારાજનું મંદિર બનાવ્યું છે.
આજે આ મંદિરના ૩૦૦ વર્ષ થયાં છે અને ત્યાં હવે બાંધકામને નવું સ્વરુપ પણ આપવામાં આવ્યું છે. અહીં અનેક લોકો દર્શનાર્થે પધારી રહ્યા છે. આ વિસ્તારમાં વાતાવરણ સંપૂર્ણ રીતે ભક્તિમય હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. મંદિરના પુજારી શ્રી મહેશપુરી ગોસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, અમારી અત્યારે આ ૧૦ મી પેઢી છે અને આ મંદિરની માલિકી અમારી પોતાની છે. અહીં અમે પુજા પાઠ સાથે આ મંદિરનું સંચાલન પણ કરીએ છીએ. અહીં અનેક પ્રવાસીઓ દૂર દૂરથી કુદરતી સૌંદર્યને માણવા ઉપરાંત શિવજી મહારાજના દર્શનાર્થે પધારે છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવજી મહારાજના દર્શનનું અનેરું મહત્વ છે.
શ્રી સોમનાથ દાદાના દર્શન કરીએ એટલું જ મહાત્મય અહીં પણ બુઢેશ્વર મહાદેવના દર્શનનું છે. વધુ જણાવતાં તેમણે કહ્યુ કે, આ મંદિર સહિત ૨૦ વીઘા જમીન છે તે ધીમે-ધીમે વિકસિત થઈ રહ્યું છે. ગુજરાત એ ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય હોવાથી છેક દૂર દૂરથી પ્રવાસીઓ ગુજરાતમાં આવે છે અને અહીંના સમૃદ્ધ વાતાવરણમાં સંપૂર્ણ પ્રકૃતિમય બનીને જીવનને માણે છે. એક પ્રવાસી તરીકે અને મુલાકાતી તરીકે અહીં શ્રી બુઢેશ્વર મહાદેવના દર્શનનો લ્હાવો માણવાની સાથે સાથે કુદરતના સૌંદર્યમાં ખોવાઈ જવાની મજા કંઈક અલગ જ છે, જે આપણને પ્રકૃતિમાં આનંદ અને આનંદમાં પ્રકૃતિનો અનુભવ કરાવે છે.
આ અલૌકિક સ્થળ અમરેલીથી ચલાળા-ખાંભા હાઈવે પર ૫૬ કિલોમીટર જેટલુ દૂર થાય છે. લાખાપાદર જવા માટે ચલાળા-ખાંભા માર્ગ પર આવતા ધારગણી ગામ સુધી જવાનું અને ત્યારબાદ લાખાપાદરનો રસ્તો અલગ પડે છે, જ્યારે ઉના-ખાંભાથી આવતા પ્રવાસીઓએ ચલાળા પહેલાં આ જ રસ્તે જવું પડે છે. ધારીથી પણ લાખાપાદર આવવાનો માર્ગ છે જે જીરા ગામ થઈને ત્યાંથી આવી શકાય છે.
Recent Comments