અમરેલી

અમરેલીના વડીયાના ‘ગ્રામ્ય સખી સંઘે’ ‘કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ’ ઉભું કરી ‘સંકલિત બાળ વિકાસ’ યોજના હેઠળ લાભાર્થીઓને અપાતી પોષણકીટના ઉત્પાદન માટે પ્રોડક્શન યુનિટ સ્થાપ્યું

ગુજરાતના ‘સખી મંડળો’ અને ‘સખી સંઘો’ ‘આત્મનિર્ભર’ બની રહ્યા છે. રાજ્ય સરકારની સહાય અને પ્રોત્સાહન અને મહિલાઓના કૌશલ્યના સમન્વયથી

આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે, ગુજરાતના ગામડે – ગામડે મહિલાઓ હવે વધુ સક્ષમ બની આર્થિક ઉન્નતિ તરફ આગળ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે ગામડે – ગામડે ‘સેલ્ફ હેલ્પ ગૃપ્સ’ની સ્થાપના કરવામાં આવી છે. ‘સખી મંડળ’ના કોન્સેપ્ટ થકી આજે મહિલાઓમાં ‘આત્મનિર્ભરતા’ની સાથે ‘સોશિયલ લીડરશીપ’ પણ વિકસી  રહી છે. સરકાર દ્વારા ‘મહિલા સખી મંડળો’ને આર્થિક રીતે સહાય પણ આપવામાં આવે છે, આવો જ એક સખી મંડળોનો સંઘ અમરેલીના કુંકાવાવ-વડીયા ખાતે છે, જે સરકારની સહાય થકી આર્થિક રીતે સશક્ત બની ‘આત્મનિર્ભર’ બન્યો છે.

            કેન્દ્ર અને રાજ્ય સરકાર ‘કુપોષણ મુક્ત ભારત’ માટે અનેક પ્રયત્નો કરી રહી છે. ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા ‘સંકલિત બાળ વિકાસ’ યોજના અમલી છે. આ યોજના અન્વયે આંગણવાડીમાં લાભાર્થીઓને દર મહિને પોષણકીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં બાળશક્તિ, પૂર્ણશક્તિ અને માતૃશક્તિ નામની કુલ ત્રણ પ્રોડ્ક્ટસનો સમાવેશ થાય છે. વડીયા ગ્રામ્ય સખી મંડળો દ્વારા સ્થાપિત ‘વડીયા ગ્રામ્ય સખી સંઘ’ દ્વારા સરકારની સહાયથી આ પોષણકીટના પ્રોડ્કશન માટે પ્રોડક્શન યુનિટ સ્થાપવામાં આવ્યું છે. આ યુનિટમાં સખી મંડળોની કુલ ૧૨ બહેનો કુસુમબેન નાથાભાઈ જાદવના માર્ગદર્શનમાં તમામ પ્રકારની કામગીરી સંભાળી રહી છે. અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકામાં કુલ ૮૧૦ સખી મંડળો કાર્યરત છે, જેમાં એકલા વડીયા મુકામે ૭૦ સખી મંડળો કાર્યરત છે.

વડીયાના ૭૦ સખી મંડળોએ ‘વડીયા ગ્રામ્ય સખી સંઘ’ની સ્થાપના કરીને પ્રોડક્શન યુનિટની સ્થાપના કરી હતી. આ પ્રોડક્શન યુનિટની સ્થાપના માટે કુલ રૂ.૭૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૧૨ લાખની સબસિડી આપવામાં આવી છે. પોષણકીટના ઉત્પાદન માટે આ પ્રોડ્કશન યુનિટમાં દર મહિને  બાળશક્તિ, પૂર્ણશક્તિ અને માતૃશક્તિ પ્રોડક્ટના આશરે ૩૦ હજારથી વધારે પેકેટ્સનું ઉત્પાદન થાય છે. અમરેલીના કુંકાવાવ- વડીયા તાલુકામાં કુલ ૪૫ ગામોમાં ૧૦૭ આંગણવાડી કેન્દ્રો છે, જ્યાં આ પોષણકીટનું વિતરણ રાજ્ય સરકાર દ્વારા દર મહિને કરવામાં આવે છે. વડીયાની સખી મંડળોએ ગ્રામ્ય સખી સંઘ સ્થાપીને ‘કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ’ ઊભુ કર્યું, પોષણકીટ પ્રોડ્કશન યુનિટ સ્થાપી ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરી છે.

          મહિલાઓ પગભર બને અને આર્થિક રીતે સક્ષમ બની સશક્ત બને તે માટે રાજ્ય સરકાર તમામ સફળ પ્રયત્નો કરી રહી છે. વડીયાના ગ્રામ્ય સખી સંઘે પ્રોડ્કશન યુનિટ સ્થાપીને ‘મહિલા સશક્તિકરણ’નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. ‘વડીયા ગ્રામ્ય સખી સંઘ’ના પ્રમુખ યાસ્મીનબેન આમદભાઈ બાલાપરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે સરકારની સહાયથી આ યુનિટ સ્થાપી શક્યા અને આ યુનિટની સ્થાપના થકી આજે અમારો સખી સંઘ આત્મનિર્ભર બન્યો છે, મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે. સમગ્ર ગુજરાતમાં ગામડે – ગામડે આજે સખી મંડળો થકી મહિલાઓને રોજગારી મળી રહી છે, મહિલાઓ આત્મનિર્ભર બની સમૃદ્ધ બની રહી છે

Follow Me:

Related Posts