અમરેલી

અમરેલીના વડીયા સિટી ફીડર ખાતે કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ યોજના અન્વયે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) ખાસ પ્રકારના કેબલ લગાવવાની કામગીરીની શરુઆત

અમરેલીના વડીયા સિટી ફીડર ખાતે કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ (રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર્સ સ્કિમ (યોજના) અન્વયે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) ખાસ પ્રકારના ત્રણ લેયરના કેબલ લગાવવાની કામગીરીની શરુઆત કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી વડીયા દ્વારા ખાસ પ્રકારના કેબલ લગાવવાની કામગીરીના પ્રારંભે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. વીજળી લો વોલ્ટેજ સહિતના વીજ ફોલ્ટ બાબતે નાગરિકો અને પ્રતિનિધીશ્રીઓએ વડીયા લોક દરબારમાં રજૂઆત કરી હતી.એમ.વી.સી.સી. ખાસ પ્રકારના કેબલ થકી હવે ખુલ્લા વાયરો ભૂતકાળ બનશે. વીજળી ફોલ્ટ સમસ્યાનું સમાધાન થશે. તેના લીધે પશુ-પક્ષીઓને થતાં નુકશાનથી બચી શકાશે. ગરમી, ઠંડી અને વરસાદી ઋતુ સહિતની સ્થિતિઓમાં પણ આ કેબલ એકસરખું કાર્ય કરે છે. આ કેબલમાં ત્રણ પ્રકારના લેયર હોવાથી વીજ વાયરને લીધે થતાં અકસ્માતની શક્યતા નહિવત છે.

વરસાદી વાતાવરણમાં વીજળી પડવાના કારણે હાઈ કે સ્વીચીંગ વોલ્ટેજ આવવાથી કેબલને નુકશાન થતું નથી. તેની સાથે જોડાયેલ આઇ.પી.સી. (ઇન્સ્યુલેશન પીઅરસીંગ કનેક્ટર) ઇન્સ્યુલેટરને ફેઈલ કરે છે અને એમ.વી.સી.સી કેબલ સલામત રહે છે. આ પ્રકારના કેબલમાં ત્રણ ઇન્સ્યુલેશન હોવાથી ફોરેસ્ટ એરિયા, રીવર ક્રોસિંગ અને ગીચ વિસ્તારમાં ઉપયોગી છે. વડીયામાં MVCC સર્વે મુજબ ૮ સર્કિટ કિ.મી.માં અંદાજે રુ.૭૪ લાખથી વધુનો ખર્ચ થશે.ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, વડીયાના લોક દરબારમાં આવતા પ્રશ્નોમાં  મોટાભાગે વીજળીને લગતી સમસ્યાઓના પ્રશ્નો હતા.

એમ.વી.સી.સી. પ્રકારના કેબલ નાંખવાની કામગીરી ટુંક સમયમાં પૂર્ણ થશે. વીજળીના લો વોલ્ટેજ સહિતના પ્રશ્ન અને સમસ્યા ભૂતકાળ બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ પ્રાપ્ત કરવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો. પી.જી.વી.સી.એલની કામગીરી માટે શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.વડીયા સિટી ફીડર ખાતે કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ યોજના અન્વયે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) ખાસ પ્રકારના કેબલ લગાવવાની કામગીરીના પ્રારંભ કાર્યક્રમમાં, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પી.જી.વી.સી.એલ અધિક્ષક ઈજનેર શ્રી પરીખ, કાર્યપાલક ઈજનેર શ્રી પી.જી.વી.સી.એલના અધિકારીશ્રી-કર્મચારી શ્રી અને વડીયાના ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts