અમરેલી

અમરેલીની સૌથી મોટી ધારી ગ્રામ પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય સમર્થિત પેનલ સામે વર્તમાન ધારાસભ્ય સમર્થિત પેનલની હાર

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી અતિ મહત્વપૂર્ણ અને રસપ્રદ જોવા મળી હતી. જ્યારે મોટી ગ્રામ પંચાયતની મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ધારી ગ્રામ પંચાયત અમરેલી જિલ્લામાં સૌથી વધુ રાજકીય રીતે ચર્ચાસ્પદ રહી હતી. જેનું પરિણામ જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સમર્થિત પેનલમાં અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપત વાળાના ધર્મપત્ની જયશ્રીબેન વાળાની સરપંચ તરીકે જીત થઈ હતી. તેમજ સામેના પક્ષે વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોશી સમર્થિત પેનલ ઉભી રખાઈ હતી, જેમની હાર થઈ હતી.

નોંધનીય છે કે ધારી ગ્રામ પંચાયત પર ભાજપના 3 મોટા જૂથો આમને-સામને આવી ગયા હતા. જો કે જિલ્લા ભાજપ પ્રયત્ન કરવા છતાં પણ બંને જૂથોમાંથી એક પણ જૂથ ઝૂકવા તૈયાર નહોતુ. આથી છેલ્લે બંને ભાજપ પ્રેરિત પેનલો ઉતારી અને ચૂંટણી લડાઈ હતી. ત્યારે બંને પેનલો દ્વારા મોદીથી લઈ પાટીલ સુધી ભાજપના નેતાઓના પોસ્ટર સાથે કાર્યાલયો ખોલી સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ઉભો કરાયો હતો.

પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સમર્થિત પેનલમાં અમરેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપત વાળાના ધર્મપત્ની જયશ્રીબેન વાળાનો સરપંચ તરીકે વિજય થતા ખુશી છવાઈ હતી. તેમણે ધારી ગ્રામ પંચાયત પર 18 વોર્ડમાંથી 10 વોર્ડ પણ કબજે કર્યા હતા. જ્યારે સામેના છેડે વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોશી સમર્થિત પેનલ ઉભી રખાઈ હતી, જેમનો પરાજય થવાથી ભાજપમાં કહી ખુશી કહી ગમનો માહોલ ઉભો જોવા મળ્યો હતો.

Related Posts