અમરેલી આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા
કોવીડ રસીકરણ, રૂટિન રસીકરણ, મિશન ઇન્દ્રધનુષ, સંચારી રોગ નિયંત્રણ, ટોબેકો કંટ્રોલ જેવા વિવિધ વિષયોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ સાથે કોવીડ રસીકરણ, રૂટિન રસીકરણ, મિશન ઇન્દ્રધનુષ, સંચારી રોગ નિયંત્રણ, ટોબેકો કંટ્રોલ જેવા વિવિધ વિષયોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગની સાથે મળી ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તારમાં ગુનાનો ભંગ કરતા લોકોને દંડ કરવા તેમજ અન્ય ભીડભાડવાળી જગ્યાએ વધુને વધુ કેસો કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ નગરપાલિકા વિસ્તારોમાં નગરપાલિકાના અધિકારીઓને હાલ ચોમાસાની ઋતુને ધ્યાને લઇ ખાસ અગમચેતીના ભાગરૂપે સ્વચ્છતા અને કોઈ જગ્યાએ પાણી જમા ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો કર્યા હતા તેમજ ગયા વર્ષોમાં પાણીજન્ય રોગો જે વિસ્તારમાં વધુ જોવા મળ્યા છે ત્યાં સઘન કાર્યવાહી કરવા આદેશો કર્યા હતા.
કોવીડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરની તૈયારી અંગે વાત કરતા કલેક્ટરશ્રીએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ પણ બેડની સંખ્યામાં વધારો થાય અને એક એક પીએચસી, સીએચસી દીઠ બેડની સંખ્યા જો વધારવામાં આવશે તો જે તે સમયે ખુબ જ અસરકારક સાબિત થશે. વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે આરોગ્ય સેતુ એપનો વ્યવસ્થિત ઉપયોગ પણ ત્રીજી લહેરની સંભાવના પણ આંશિક રીતે નિવારવા મદદરૂપ સાબિત થશે એટલે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારવા અમલીકરણ અધિકારીશ્રીઓને આદેશો કર્યા હતા.
જિલ્લામાં હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં જેટલા પણ કોવીડ-૧૯ના પોઝિટિવ કેસો આવે છે તે તમામ કેસોમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી, દર્દીને આઇસોલેટ કે દર્દીની સંપર્કમાં આવેલા લોકોને શોધી આઇસોલેટ કરવાની કામગીરી, જે તે દર્દીના ઘરની આજુબાજુ પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટર લગાવવાની રૂટિન કામગીરી કરવામાં આવે છે કે કેમ તે આરોગ્ય અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ સમગ્ર જિલ્લામાં ચાલતી રૂટિન ઇમ્યુનાઇઝેશન, કોવીડ-૧૯ વેક્સિનેશનની આંકડાકીય માહિતી આપી જિલ્લા કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, આઈ.એમ.એ.ના તબીબી અધિકારીશ્રી, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, મેડિકલ ઓફિસરશ્રીઓ, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો, તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments