અમરેલી ખાતે ઝોનકક્ષા સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ શિબિર ૨૦૨૩-૨૪ યોજાશે
રાજ્ય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, હેઠળની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃ્ત્તિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે અમરેલી જિલ્લામાં ઝોનકક્ષા સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઇચ્છુક યુવક-યુવતીઓ માટે ૫ દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન આગામી દિવસોમાં થનાર છે. યુવાનોમાં સાહસિકતાના ગુણો વિકસે અને આવી પડેલ પુર, આગ, ભૂકંપ, જેવી હોનારતોમાં આપાતકાલીન સમયમાં જિલ્લાના યુવાનોની જેતે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી, સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઇચ્છુક યુવક યુવતીઓ માટે નિવાસી શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ શિબિરમાં અમરેલી જિલ્લાના યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. જિલ્લાના યુવક યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧.૧૨.૨૦૨૩ નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેમણે અત્રેની કચેરીના બ્લોગપોસ્ટ dydoamreli.blogspot.com પરથી અથવા અત્રેની જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી પરથી રુંબરૂ ફોર્મ મેળવી શકશે. જેમાં યુવક યુવતીઓએ ૧) પોતાનું નામ-સરનામું,મોબાઈલ નંબર ૨) જન્મ તારીખ ૩) શૈક્ષણિક લાયકાત ૪) વ્યવસાય ૫) એન.સી.સી,પર્વતા રોહણ, રમત ગમત,સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત ૬)શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર ૭) વાલીનું સંમતિ પત્રક ૮) પાસપોર્ટ ફોટો ૯) ઓળખ કાર્ડ ૧૦) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી સાથે જોડવી. અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૦૪.૧૧.૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન,બ્લોક સી, રૂમ નંબર ૧૧૦-૧૧૧,અમરેલીને મોકલી આપવાની રહેશે. અધુરી વિગત સાથેની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવનારની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક યુવતીને ફોન,પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. ભાગ લેનાર યુવક યુવતીઓને નિવાસ,ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments