અમરેલી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સાંસદશ્રીની અધ્યક્ષતામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓના ૨૨ લાભાર્થીઓને મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું
અમરેલી તા. ૨૯ ડીસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના પાંચમા દિવસે એટલે કે આજે ૨૯ ડિસેમ્બરના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમરેલી ગજેરા સંકુલ ખાતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોનું જીવન ધોરણ ઊંચું લાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. અમરેલીના બગસરા તાલુકાના નાનકડા ગામની એક દીકરીએ તબીબી આભ્યાસ અર્થે વિદેશ અભ્યાસ લોન સહાય મેળવી ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર બની છે. આમ આર્થિક રીતે નબળા વર્ગોના બાળકોને પણ સમાન અધિકારો મળે એ દિશામાં રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે પહેલાની પરિસ્થિતિ કરતા હાલની પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. આજે વહીવટી તંત્રના અધિકારીઓ પોતાના વિભાગ હસ્તકની યોજનાની સહાય કે લાભો આપવા લોકોના ઘર ઘર સુધી જાય છે. જે ખરા અર્થમાં સુશાસનને ચરિતાર્થ કરે છે.
મહાનુભાવોના હસ્તે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની યોજઓના ૧૧ લાભાર્થીઓને, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની યોજનાઓના ૬ લાભાર્થીઓને અને સમાજ સુરક્ષા હસ્તકની યોજનાઓના ૫ એમ કુલ મળી ૨૨ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની છબીને ફુલહાર પહેરાવી વંદન કર્યા હતા. કાર્યક્રમમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપતી ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિદેશ અભ્યાસ લોન યોજનાના વિદ્યાર્થીની સુશ્રી કલ્પના ખોરાસીયાએ અને વાઘેલા કિન્નરીએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પાલક માતાપિતા યોજનાના લાભાર્થી શ્રી સુનિલ માધડએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશ બગડા, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, ગજેરા સંકુલના નિયામક શ્રી મનસુખભાઈ ધાનાણી, ગજેરા સંકુલના ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટ, જિલ્લા પંચાયતની નાયબ નિયામક શ્રી અર્જુન પટેલ, ચાઈડ વેલ્ફેર કમિટીના ચેરમેન શ્રી સુનિલ રાજ્યગુરુ, અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક શ્રી અર્જુન પટેલ, સમાજ કલ્યાણ ખાતાના અધિકારી સર્વે સુશ્રી મીનાબેન રાઠોડ, શ્રી વી. એ. સૈયદ, શ્રી વી. યુ. જોશી તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments