અમરેલી જિલ્લાના આઠ તાલુકાઓની ૮૭ શાળાઓમાં ચાલે છે સ્લો લર્નર પ્રોજેક્ટ
અમરેલીના ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના સહયોગથી ૩૦૦૦ બાળકોના પુનઃ સ્થાપન માટે કાર્યરત છે આ અભિયાન
બાળકની શારીરિક ક્ષતિ અથવા તો બીમારી અંગે માતા -પિતા અને પરિવાર ધ્યાન આપતા હોય છે અને તેને દૂર કરવામાં જાગૃત પણ હોય છે, પરંતુ માનસિક ક્ષતિ અથવા તો આવી નાની મોટી ઉણપ બાબતે હજુ આપણે એટલા સજાગ નથી. આવી ઉણપને કારણે આવા બાળકો ઉપેક્ષા અને અનેક મુશ્કેલીઓનો ભોગ બનતા હોય છે. આવી જ અક્ષમતા છે સ્લો લર્નિંગ અને લર્નિંગ ડિસેબિલિટી. કેટલાક બાળકો શીખવાની ક્ષમતામાં કંઈક ઊણપ ધરાવતા હોય છે અથવા તો કેટલીક બાબતો શિખવવામાં તેઓ અન્ય કરતાં નબળા હોય છે. આવા બાળકોની શિક્ષણ પ્રક્રિયા દરમિયાન અલગથી સંભાળ લેવી પડતી હોય છે. આવો જ એક પ્રોજેક્ટ ‘સ્લો લર્નર’ ચાલી રહ્યો છે. જો કે હજુ આ દિશામાં સહુનું ધ્યાન ઓછું ગયું છે.
લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા આવા બાળકોને શોધી, તેને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો આ પ્રોજેક્ટ ભાવનગરની પીએનઆર સોસાયટી અને અમરેલીના ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યો છે. સ્લો લર્નર પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના આઠ તાલુકાઓના 56 ગામોની ૮૭ શાળાઓમાં અભ્યાસ કરતાં લગભગ ૧૭ હજાર બાળકોમાંથી આવી ડિસેબિલિટી ધરાવતા 3000 બાળકોને શોધી, તેને પુન: સ્થાપન કરવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. પાંચ તબક્કામાં વહેંચાયેલા આ પ્રોજેક્ટમાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બાબરા, લાઠી, ખાંભા, બગસરા તથા કુકાવાવ તાલુકાનો સમાવેશ થાય છે.
૮૭ શાળાઓના પ્રિન્સિપાલ અને એક શિક્ષકને પ્રથમ તબક્કામાં લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકોને શોધવાની તાલીમ આપવામાં આવી છે. બીજા તબક્કામાં શાળાના શિક્ષકો તાલીમ લીધા બાદ પોતાના વર્ગના બાળકોનું સ્ક્રિનિંગ કરી આવા બાળકોની યાદી તૈયાર કરે છે. ત્યારબાદ આ પ્રાથમિક યાદીમાં સામેલ બાળકોને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરી, દરેક બાળકોનો વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમ એટલે કે ઈન્ડીવિઝ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કરવાનો હોય છે. આ પછી નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા ફોલોઅપ અને શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો તથા વાલીઓ સાથે વર્કશોપ વિગેરે આયોજન થતાં હોય છે.
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ચાર વેબિનાર દ્વારા તાલીમનું આયોજન થયું હતું અને જેમાં નિષ્ણાત તરીકે ડોક્ટર ધનંજય દેશમુખ, શ્રીમતી જીજ્ઞાબેન સોલંકી વિગેરે એ તાલીમ આપી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ માસ્ટર ટ્રેનર માટેનો બે દિવસીય વર્કશોપ પણ યોજાઈ ગયો, જેમાં આ ૮૭ શાળાના 145 શિક્ષકો અને આચાર્યોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્કશોપનું ઉદઘાટન અમરેલી કલેકટર આયુષ ઓકના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે અમરેલીના જિલ્લા આયોજન અધિકારી ડી.એ. ગોહિલ, પીએનઆર સોસાયટીના જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ, જોઇન્ટ સેક્રેટરી ડી.જે. ધંધુકિયા વિગેરે હાજરી આપી હતી. આ વર્કશોપમાં એક્સપર્ટ તરીકે મુંબઈના પુનમબેન વસા તથા દિશાબેન શાહે તાલીમ આપી હતી તો સંકલન રાજવી બેન ક્કકડે કર્યું હતું.
બાળક શાળાએ અથવા તો પરિવારમાં કંઈક શીખતો હોય ત્યારે તેની આવી અક્ષમતા અંગે ધ્યાન રાખવામાં આવે અને તેની યોગ્ય સારવાર અથવા તો માવજત કરવામાં આવે, તો આવા બાળકો પણ કંઈક કરી બતાવવા સક્ષમ જ હોય છે.
Recent Comments