અમરેલી

અમરેલી જિલ્લાના એક નાના એવા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવે છે ૧૦ ગામના વિદ્યાર્થીઓ

અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ તાલુકાના  એક નાના એવા ખજૂરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ૧૦ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં અનેક વૈવિધ્ય છે એટલે વિદ્યાર્થીઓએ ખાનગી છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ- શિક્ષકો IIT દિલ્હી સહિતના સ્થળોએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ૫-૫ વખત ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.

આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના રહસ્યો સમજવા ડ્રોન ઉડાડે છે, હાથમાં ટેબલેટ રાખી અદ્યતન ટેકનોલોજીના અવનવા પાઠ પણ શીખે છે. વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવે તે માટે શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ  ક્લાસ પણ ખરાં!  વિચારો અને કલ્પના શક્તિને ઉડાન આપવા શાળામાં વિશેષ સુવિધા છે, એ છે વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ અને રસ વિકસે તે માટે પુસ્તકાલય, સાથે જ વાંચેલા પુસ્તક વિશે ચર્ચા અને સમીક્ષા કરવાનું માધ્યમ પણ ખરું! શાળામાં રમત ગમતના સાધનો સહિત એવું તો ઘણું બધું છે જે આ ખજૂરી પ્રાથમિક શાળાને આગવી ઓળખ આપે છે.

વડીયાથી આશરે ૧૪ કિ.મી. દૂર ખજૂરી પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે બીબાઢાળ પદ્ધતિ નહીં પણ રચનાત્મકતા અને પ્રવૃત્તિઓ સાથેના શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપવામાં આવે છે.ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભરતભાઈ કણસાગરા કહે છે કે,વર્ષ – ૨૦૨૩માં રાજ્યની ટોચની ૧૧ શાળાઓમાં આ શાળાનો  સમાવેશ થયો હતો. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આ શાળાનો સમાવેશ થવાથી રાજ્ય સરકાર તરફથી વિશેષ અનુદાન મળ્યું છે. શાળાની ભૌતિક સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિશેષ પ્રોત્સાહિત કરવામાં વધુ એક પરિમાણ બન્યું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવાનો નિર્ધાર કર્યો હોય તેમ વિદ્યાર્થી અવસ્થા અને વયમાં અઘરી ગણાતી એન.એમ.એસ.એસ., જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ દર વર્ષે ઉત્તિર્ણ કરી શાળાને નવી ઓળખ આપી છે. વિદ્યાર્થીઓના મહેનત અને ખંતથી તેમને પરિણામ મળે છે અને તેને લીધે તેમને શિષ્યવૃત્તિનો ખૂબ મોટો લાભ મળે છે.  વધુમાં  આ પ્રગતિથી શાળાના વિદ્યાર્થીઓ અને હવે જે વિદ્યાર્થીઓ તરીકે શાળામાં જોડાશે તેમને પ્રેરણા મળે છે.

આમ, શાળાના ઝળહળતા પરિણામથી શાળાના શિક્ષણ કાર્ય અને શિક્ષણ પદ્ધતિની ખ્યાતિ વધી. હાલમાં આ શાળામાં, ખજૂરી ગામના આસપાસના ૧૦ ગામના વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવે છે. કેટલાય વિદ્યાર્થીઓએ તેમનો ખાનગી શાળામાં અભ્યાસ હતો તે છોડીને ખજૂરી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

હાલ ધોરણ ૧ થી ધોરણ ૮ માં ૨૧૯ વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાં ૧૩૬ જેટલા વિદ્યાર્થીઓ અરજણ સુખ, અનીડા, ખાખરીયા, મોટા ઉજળા, સૂર્ય પ્રતાપગઢ, ખજૂરી પીપળીયા, ભૂખલી-સાંથળલી, મેઘા પીપળીયા, તરઘડી અને સનાળી સહિત ૧૦ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. શાળાએ બહારગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે પરિવહન સુવિધા પણ આપવામાં આવે છે તેમ જણાવતા શાળાના આચાર્યશ્રી કહે છે કે, ખજૂરી ગામના આગેવાનો-ગ્રામજનો ઉપરાંત દાતાઓના સહયોગથી શાળાની મૂળભૂત સુવિધાઓમાં વધારો થયો છે. 

આચાર્ય શ્રીએ ઉમેર્યું કે, ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઈઆઈટી દિલ્હી, ગૌહાટી, પુણે સહિતના સ્થળોએ યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ૫-૫ વખત ભાગ લઈ ચૂક્યા છે. આ કક્ષાએ પહોંચવું ખૂબ કઠિન છે, નવીન વિચાર સાથેનો અને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય છે. આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાત – દિવસ મહેનત કરે છે.શિક્ષણ માટેની સેવાકીય સંસ્થા દ્વારા શાળામાં દીપ શાળા અંતર્ગત સ્ટેમ પ્રોજેક્ટ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને  મેથેમેટિક્સ વિષયને આવરી લેતો પ્રોજેક્ટ શરુ છે. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાની જાતે જ પાઠ્યક્રમને અનુરુપ વિવિધ મોડલ્સ તૈયાર કરે છે અને સરળતા અને રસપૂર્વક આ વિષયોને આત્મસાત કરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધો.૭ તથા ધો.૮ના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યાં છે. 

આ શાળામાં વિદ્યાર્થીઓને એક રીતે મુક્ત વાતાવરણ મળે છે, જેથી તેમની સર્જનાત્મકતાને વેગ મળે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આત્મીયતા અને સ્નેહસભર નાતો છે જે વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ પૂરે છે. વિદ્યાર્થીઓ બાહ્ય જગતને જાણે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે વિવિધ સંસ્થાઓ અને કચેરીઓની પણ મુલાકાત માટે લઈ જવામાં આવે છે. વિદ્યાર્થીઓને કલા મહાકુંભ અન્વયે ગાયન, વાદન, નૃત્ય નાટિકા સહિતની સાંસ્કૃતિક સ્પર્ધા-પ્રવૃત્તિઓમાં અને રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અગ્રેસર રહે તે માટે તક આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓ, જ્ઞાન વાનની સાથે સંસ્કારવાન બને સાથે જ સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં એક આદર્શ નાગરિક બનીને ઉભરે તેવા પ્રયાસો કરવામાં આવે છે.ખજૂરી પ્રાથમિક શાળામાં શિક્ષક સર્વ શ્રી હિતેશભાઈ ખીમાણી, શ્રી યોગેશ કાવટીયા, શ્રી નીતાબેન વામજા, શ્રી મીતાબેન સોજીત્રા, શ્રી જિજ્ઞાસાબેન ભાલોડીયા અને શ્રી નીલમબેન મકવાણા ખંતથી શિક્ષણ કાર્ય કરી તેમની ફરજ અદા કરી  રહ્યા છે.

Related Posts