અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોને નેનો યુરિયા અને ડીએપી ખરીદી પર રુ ૩૦૦૦ સુધીની સહાય : ખેડૂતોને લાભ લેવા અનુરોધ

 યુરિયા- ડીએપી ખાતરના મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર.-૨ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના ૫૦ ટકા લેખે, પ્રતિ હેક્ટર રુ. ૭૫૦ની મર્યાદામાં વધુમાં વધુ ચાર હેક્ટર માટે રુ. ૩૦૦૦ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.આ યોજનામાં અમરેલી જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુમાં ૭૨.૧૦ લાખ અને રવિ ઋતુમાં ૭૨.૧૦ લાખ એમ કુલ ૧ કરોડ ૪૪ લાખ ૨૦ હજાર જેટલી સહાય ચૂકવવામાં આવશે. જેથી તેનો લાભ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.

અમરેલી જિલ્લાના ખેડૂતોને નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે જિલ્લામાં તાલુકાની સંબંધીત વિતરક સંસ્થા ખાતે ૮- અ, આધાર કાર્ડ રજૂ કર્યેથી મેળવી શકાશે. નેનો યુરિયા (પ્રવાહી) એ ભારત સરકારના ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી છોડને નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટિલાઇઝર પોષક તત્વોથી સમૃદ્ધ જમીન, પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ છે. ઉપરાંત નેનો ફર્ટિલાઇઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે.

સ્પ્રે ના કારણે આ યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે અને નેનો ફર્ટિલાઇઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ઉપરાંત તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ સહિત અન્ય તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઇઝર દરેક તબક્કે વરદાન સાબિત થશે. નેનો યુરિયા ખેડૂતોને રુ.૨૨૫ માં પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રુ. ૬૦૦ ના ભાવે પ્રતિ બોટલ મળી શકશે. જે પરંપરાગત યુરિયાની બેગ કરતા ૧૦ ટકા તથા ડીએપીની બેગ કરતા ૫૦ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. જેથી ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે.આ યોજનાની વધુ જાણકારી માટે સંબંધિત તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અથવા સંબંધિત ગામના ગ્રામસેવક (ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે. તેમ અમરેલી જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts