રાજ્યમાં યોજનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હોય તેવા વિવિધ ઝોનલ અધિકારીશ્રીઓ અને સેક્ટર પોલીસ અધિકારીશ્રીઓની ચૂંટણી કામગીરીલક્ષી એક તાલીમનું આયોજન અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૯૪ ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા અને ૯૮-રાજુલા વિધાનસભાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. અમરેલી સ્થિત મેડિકલ કૉલેજના સભા ગૃહમાં યોજાયેલ આ તાલીમ શાળામાં ક્રિટીકલ મતદાન મથકો, અસુરક્ષિત સ્થિતિ ઊભી કરનારા તત્વોની ઓળખ, કાયદો અને વ્યવસ્થા અને ચૂંટણીલક્ષી અન્ય કામગીરીની ટીમના અધિકારીશ્રી-કર્મચારીઓને માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યશાળામાં માસ્ટર ટ્રેનર સી.પી. ગોંડલીયા અને રાજ્ય કક્ષાના ટ્રેનર અને લાઠી પ્રાંત અધિકારીશ્રી ટાંક દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, વિવિધ કામગીરીના નોડલ અધિકારીશ્રીઓ દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૨ ઓક્ટોબરથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીશ્રીઓ સહિત વિવિધ સમિતિમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
Recent Comments