અમરેલી

અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર મંદિર અને ડેમ સાઈટ નજીક આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

તા.૨૭ સપ્ટેમ્બર, સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી થશે. વર્ષ-૨૦૨૪માં આ દિવસની થીમ ‘પર્યટન અને શાંતિ’ છે. યુનાઈટેડ નેશન્સ અંતર્ગત કાર્ય કરતી યુ.એન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) સંસ્થા વિશ્વમાં પર્યાવરણને પ્રોત્સાહન માટે સતત કાર્યરત છે. વર્ષ ૧૯૮૦ થી દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં પર્યટન ક્ષેત્રનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે. ભારત અને ગુજરાતની જીડીપીમાં પણ પર્યટન ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. પ્રવાસન એ દેશના આર્થિક અને સમાવેશી વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં પણ ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક દ્રષ્ટિએ અતિ મહત્વના વિખ્યાત પર્યટન સ્થળો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર નેશનલ પાર્ક જેવા વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળોએ દેશવિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. પર્યટન ક્ષેત્રના વિકાસથી આર્થિક સમૃદ્ધિ અને સમાવેશી વિકાસમાં સહાયરુપ છે.

અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે એશિયાઇ સિંહનો આ વિસ્તારમાં વસવાટ! હવે, સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃત્તિ વધતા અને સિંહો આપવામાં આવતા સંરક્ષણને કારણે સિંહોની વસતીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં સિંહની વસતી વધીને ૬૭૪ થઈ છે.

અમરેલી જિલ્લાના ધારી ગળધરા શ્રી ખોડીયાર મંદિર, ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે. ૩૮૦ હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૬૨,૪૫૧ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.

દેશ-વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ એશિયાઇ સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લ્હાવો બસ સફારી કરીને માણ્યો છે. સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા ૨ એ.સી અને ૩ નોન એ.સી. સહિત પાંચ બસ છે. વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે. વન્યજીવોને પીવાના પાણી માટે ૯ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

       આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીરનું કુદરતી સૌંદર્ય અને ગીરના ડાલામથ્થા સિંહ પ્રવાસીઓને આકર્ષે છે. વેકેશન દરમિયાન વિવિધ રાજ્યો અને વિવિધ દેશના પ્રવાસીઓ ગાંડી ગીરમાં મહેમાન બનીને ગીરના અદ્ભૂત સૌંદર્યને માણે છે. પ્રવાસીઓ ગીરના સૌંદર્યને નિહાળી શકે તે માટે વ્યૂ પોઇન્ટ બનાવવામાં આવ્યો છે.

       ધારી આંબરડી સફારી પાર્ક ખાતે રિસેપ્શન ડેસ્ક, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ,વોટર અને સેનિટેશન સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. ફેરો સિમેન્ટથી બનેલ એશિયાનું વિશાળ એશિયાટિક સિંહનું પ્રાઈડ,  બ્રોન્ઝ લાયન, મેટલ સિંહ, હરણ સહિતના સ્કલ્પચર અને એમ્ફી થિયેટર સહિતની બાબતો પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ બન્યું છે.

       આંબરડી સફારી પાર્કમાં ડિસ્પ્લે પર રાખવામાં આવેલ સિંહોના હુલામણાં નામ પણ છે. બસ સફારી દરમિયાન શેલજા નામની સિંહણ અને ગીરનો વિખ્યાત ડાલામથ્થો સિમ્બા નામનો હાવજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓ સિંહોને નજીકથી નિહાળીને બસ સફારીનો રોમાંચક આનંદ માણે છે.

      આંબરડી સફારી પાર્ક ખાતે બસ સફારીનો આનંદ માણીને પ્રવાસીઓ અત્યંત ગદગદિત થઈ જાય છે. બસ સફારી એક અનોખો અનુભવ કરાવે છે. ઉપરાંત ગીર જંગલની પ્રકૃતિને અને વન્યજીવોની સૃષ્ટિમાં તરબોળ થવાનો આનંદ માણવા મળે છે.

      ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. આંબરડી સફારી પાર્ક એ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ છે, પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે.

આંબરડી સફારી પાર્ક અને તેની વિશેષતાઓ વિશે નાગરિકો વાકેફ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે, આપણે જ્યાં પણ જે કોઈપણ પ્રવાસન સ્થળની મુલાકાત અર્થે એક પ્રવાસી તરીકે જઈએ ત્યાં પ્રકૃતિનું સંરક્ષણ અવશ્ય કરીએ અને સ્વચ્છતા અવશ્ય રાખીએ.

Related Posts