અમરેલી

અમરેલી જિલ્લાના ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ૩ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોમાં ૩૫૦ થી વધુ ઓક્સિજન બેડ ઉભા કરવાનું વહીવટી તંત્રનું આયોજન

છેલ્લા કેટલાય સમયથી અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે અમરેલી વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આવનારાના દિવસોમાં અમરેલી જિલ્લાના ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ૩ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોમાં ૩૫૦ થી વધુ ઓક્સિજન બેડ ઉભા કરવાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્રો તેમજ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોના ઉપસ્થિત સ્ટાફ, નાણાકીય વ્યવસ્થા, આનુષંગિક જરૂરિયાતો અંગેના નાનામોટા પ્રશ્નોના નિકાલ માટે રોગી કલ્યાણ સમિતિ કાર્યરત છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ગ્રાન્ટની ફાળવણી કરી ઓક્સિજન સિલિન્ડર સહિતના તમામ જરૂરી સંસાધનો ખરીદવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ સંબંધિત પ્રાંત અધિકારીશ્રી હોય છે. સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવામાં કોઈ દાતાઓની મદદ મળે એ દિશામાં પણ વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ગ્રામીણ કક્ષાના આરોગ્ય કેન્દ્રોના દરેક બેડની સાથે એર કોન્સન્ટ્રેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી કોવીડ બેડમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરાયું છે. આ આયોજનનો મુખ્ય આશય એવો છે કે જો સ્થાનિક કક્ષાએ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તો જિલ્લા કક્ષાની હોસ્પિટલોનું ભારણ ઘટશે. વહીવટી તંત્રના આ એક્શન પ્લાન ઉપર આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોએ સાથે મળી કાર્યવાહી આરંભી દીધી છે

Related Posts