અમરેલી જિલ્લાની ચૂંટણીલક્ષી સચોટ માહિતી મળી રહે તેવા હેતુથી જિલ્લા મીડિયા સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લામાં મતદાન તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લાના નાગરિકો અને મીડિયાને જિલ્લાની ચૂંટણીલક્ષી સચોટ માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતેના આ મીડિયા સેન્ટરને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરી-અમરેલી દ્વારા સંયુક્ત રીતે મળીને આ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે,જેમાં વિવિધ પ્રકારની જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીને બેનરના માધ્યમથી નિદર્શિત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં કુલ ૦૫ વિધાનસભા બેઠકો છે. જિલ્લાના મતદારોની દૃષ્ટિએ સૌથી મોટી બેઠક અમરેલી વિધાનસભા મતવિસ્તાર છે. આ બેઠક પર, ૨,૮૩,૭૩૯ મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્યાની દૃષ્ટીએ સૌથી નાની બેઠક ધારી વિધાનસભા છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૨૨,૯૮૭ મતદારો નોંધાયા છે. આ મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી ફરિયાદની વેબસાઈટ, સોશિયલ મીડિયાની વિગતો, તેમજ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે. મતદાર યાદી સંબંધિત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ છે, ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ માટેનો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ ઉપરાંત ૨૦૧૧ની વસતિ ગણતરીની દૃષ્ટીએ જિલ્લાની વસતિ ૧૫,૧૪,૧૯૦ છે. જિલ્લાનો સેક્સ રેશિયો ૯૬૪ છે, જ્યારે સાક્ષરતાનો દર ૭૪.૨૫ છે. આ મીડિયા સેન્ટરમાં પ્રત્યેક વિધાનસભાની પુરુષ અને મહિલાઓની વસતિ, જેન્ડર રેશિયો સહિતની જરૂરી વિગતો આપવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી ખર્ચ નિંયત્રણ અધિકારીશ્રી-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અધિક જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટ્ટણી, SVEEP નોડલ અધિકારી સુશ્રી પૂજા જોટાણીયા, એમ.સી.એમ.સી. કમિટી નોડલ અધિકારીશ્રી. ડૉ.દિવ્યા છાટબાર, જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ ઉપરાંત પત્રકારશ્રીઓએ મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીનું નિદર્શન કર્યું હતું.
Recent Comments