અમરેલી જિલ્લાને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની ભેટ અપાવતા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા
અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયા જિલ્લાના યુવાનો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના યુવાનો માટે
આજરોજ મહત્વની ભેટ અપાવવામાં સફળ રહ્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિને જ રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને મોટી ભેટ આપવામાં આવી છે. અમરેલીમાં સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. રુ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ અત્યાધુનિક કેન્દ્ર માટે જરુરી જમીન ફાળવવાનો હુકમ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ હેઠળની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ માટે જિલ્લા કલેક્ટરશ્રી પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના આયોજનને અનુરુપ સરકારી જમીનની ફાળવણી કરવામાં આવી છે. અમરેલી શહેરની ભાગોળે આવેલા માંગવાપાળ ખાતે આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામશે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના નિર્માણ માટે ૮,૦૯૪ ચો.મી. જમીન ફાળવવાનો હુકમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિને જ કરવામાં આવતા અમરેલી જિલ્લાને મોટી ભેટ મળી છે.
આ કેન્દ્રનું નિર્માણ થતા અમરેલી શહેર અને જિલ્લામાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીને લગતી પ્રવૃત્તિઓને વેગ મળશે. આ સૂચિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં સ્ટેમ ગેલેરી,
ઓડિટોરીયમ, મીની ૩-ડી થિયેટર, સાયન્સ પાર્ક સહિતની અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ કેન્દ્રમાં પ્રદર્શનો, શિબિરો, વિજ્ઞાનને લગતા પ્રવચનો, તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનો લાભ વિદ્યાર્થીઓ, નાગરિકો અને અમરેલીની વિજ્ઞાન પ્રિય જનતાને થશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-અમરેલીના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી હતી, જેના ભાગરુપે અમરેલી જિલ્લામાં આ કેન્દ્રનું નિર્માણ થશે.
Recent Comments