વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના ખાતામાં સહાય મળી રહે તે માટે પ્રતિબદ્ધતા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફર – DBT અંતર્ગત આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી હાલ ઝૂંબેશ સ્વરુપમાં શરુ છે. જેના અનુસંધાને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી દ્વારા આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના છે.આ કામગીરી માટે સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ હોય અને આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા હેતુથી અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.અમરેલી જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જિલ્લાના અધિકારીશ્રીઓને આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ કામગીરી બનતી ત્વરાએ થઈ શકે તે માટે ગ્રામ્ય કક્ષાએ સાંજના સમયે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે તે માટે વિશેષ સૂચન કર્યુ હતું.
જિલ્લાના વિવિધ જૂથોમાં સહકારી મંડળીઓમાં, શાળાઓમાં કોલેજમાં તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કામગીરીનો પ્રચાર-પ્રસાર કરી અને લાભાર્થીઓના ફરજિયાત આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYC કરવા સૂચના આપવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ આ અંગે સંબંધિત અધિકારીશ્રીઓને નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. ઈ-શ્રમકાર્ડના લાભાર્થીઓને લગતી કામગીરીને પ્રાથમિકતા આપી તે નિયત સમય મર્યાદામાં સંપન્ન કરવા સૂચના આપી હતી.મહત્વનું છે કે,આગામી દિવસોમાં આ અંગે દૈનિક રિપોર્ટીંગ દ્વારા કામગીરીનો પ્રગતિ અહેવાલ ચકાસી તેની સમીક્ષા કરવામાં આવશે.
સરકારી યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓએ આધારકાર્ડનું e-KYC કરાવવું ફરજિયાત છે તેમાં ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફરના માધ્યમથી જે યોજનાનો લાભ મળતો હોય તેવા લાભાર્થીઓની યાદી જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓના લાભાર્થીઓ સુધી સત્વરે પહોંચી અને તેમનું ઈ-કેવાયસી સંપન્ન કરવામાં આવશે.બેઠકમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલિપસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારી સર્વશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત કામગીરીને લગતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.
Recent Comments