અમરેલી જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા સંપન્ન
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્રામ્ય, વોર્ડ, તાલુકા નગરપાલિકા, જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે અમરેલી જિલ્લામાં ૨૭,૯૨૪ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્પર્ધા અલગ-અલગ ૩ વય જૂથમાં વર્ષ ૦૯ થી ૧૮ (અ-કેટેગરી), ૧૯ થી ૪૦ વર્ષ (બ-કેટેગરી), ૪૧ વર્ષ થી વધુ (ક-કેટેગરી)માં યોજાઈ રહી છે. જેમાં અમરેલી જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ગ્રામ્ય, વોર્ડ કક્ષાએ તા.૧૯-૧૨-૨૦૨૩ના રોજ ૬૧૭ ગ્રામ્ય કક્ષાએ અને ૯ નગર પાલિકાના ૬૬ વોર્ડમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીના સહયોગથી સફળતા પૂર્વ સંપન્ન થઈ હતી. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં તા.ર૩-૧૨-૨૦૨૩ના રોજ ગ્રામ્ય, વોર્ડ કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ માટે તાલુકા, નગરપાલિકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તા.૨૬-૧૨-૨૦૨૩ના રોજ તાલુકા, નગરપાલિકામાં વિજેતા થયેલ ખેલાડીઓ માટે દીપક હાઇસ્કુલ, અમરેલી ખાતે
જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ વય જૂથ મુજબ અલગ-અલગ પ્રથમ વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૧૦૦, તાલુકા,નગરપાલિકા કક્ષાએ પ્રથમ વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૧૦૦૦, જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૨૧,૦૦૦ અને દ્વિતીય વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૧૫,૦૦૦, તેમજ તૃતીય વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા ભાઈઓ/બહેનોને રુ.૨,૫૦,૦૦૦, દ્વિતીયને રુ.૧,૭૫,૦૦૦ અને તૃતીયને રુ.૧,૦૦,૦૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments