અમરેલી જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક આદેશ
અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ મે, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાઓ ૪૮ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. વિદ્યાર્થીઓ, તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક કૃત્યો નહિ કરવા આદેશ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ.
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ જેવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે ખોદકામ કરવું નહીં. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં.
આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે. આ વિસ્તારમાં જાહેરનામું લાગું હોય ત્યારે ચારથી વધુ લોકોએ એકઠું થવું નહી, પરીક્ષા મથકના કમ્પાઉન્ડની હદથી ૧૦૦ મીટરની હદની અંદર આવેલા જાહેર માર્ગ પર વાહન ઉભું રાખવું નહીં, આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર અનઅધિકૃત્ત પ્રવેશ કરવો નહીં.
આ હુકમ તા.૦૭ મે, ૨૦૨૩ રોજ સવારે ૯.૦૦થી બપોરે ૩.૦૦ કલાક સુધી લાગુ પડશે. આ હુકમ પરીક્ષા મથકોમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ, ફરજ પરના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, જાહેર માર્ગ પર પસાર થતા વાહનમાં બેસેલા મુસાફરો,પરીક્ષા સંચાલનના કામ માટે રોકાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, તાલુકા મામલતદારશ્રીને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તેમજ કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમરેલી, સંબંધિત દરેક પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનના સંબંધિત થાણા અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
Recent Comments