fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી

આગામી દિવસોમાં તા.૦૭.૦૯.૨૦૨૪થી ગણપતિ સ્થાપના તેમજ ગણપતિ વિસર્જન તહેવાર હોય સાથે તા.૧૬.૦૯.૨૦૨૪ના રોજ ઇદ-એ-મિલાદનો તહેવાર છે. આથી અમરેલી જિલ્લામાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી જરુરી મનાઈ ફરમાવતું જાહેરનામું અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, કોઈપણ ક્ષય ધર્મી અથવા કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત છે. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની કે, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે.છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેના ફેલાવો કર્યાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય જેવા કૃત્યો પણ પ્રતિબંધ છે.

આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી, અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે. આ જાહેરનામું તા. ૧૭.૦૯.૨૦૨૪ સુધી અમલી રહેશે.

Follow Me:

Related Posts