અમરેલી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરી થી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે
રક્તપિત્ત અંગે ફેલાયેલી ખોટી બાબતો, ગેરસમજો કે ભ્રમણાઓ દૂર થાય અને રક્તપિત્ત વિશેની સાચી હકીકત વિશે નાગરિકો માહિતગાર થાય, રક્તપિત્ત હોય તેવા દર્દીઓનું યોગ્ય નિદાન થઈ શકે તેવા હેતુથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૩૦ જાન્યુઆરી થી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે. રક્તપિત્ત વિષયક બાબતો અને રક્તપિત્ત વિરુદ્ધ શું પગલાંઓ ભરી શકાય તે બાબતે જનજાગૃત્તિ પ્રસરાવવા આ વર્ષે ‘Endign stigma, embracing Dignity’ થીમ પર પખવાડીયા દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. અમરેલી સ્થિત જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ અભિયાન અને તેને લગતા કાર્યક્રમોનું અમરેલી જિલ્લામાં સુચારુ રીતે સંચાલન અને આયોજન થાય તે હેતુથી એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ, આ બાબતમાં અમરેલી જિલ્લાની સ્થિતિ અંગે જિલ્લા કલેકટરશ્રીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, અમરેલી જિલ્લામાં રક્તપિત્તના ૩૪ કેસ છે અને તેને લગતી કામગીરીમાં નિયમિત રીતે નિદાન અને તપાસણી કરવામાં આવે છે. આગામી પખવાડીયા દરમિયાન જિલ્લામાં ગ્રામ સભામાં તેમજ શાળાઓમાં અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જાગૃત્તિ અભિયાન યોજાશે.
જિલ્લા કલેકટરશ્રીએ આ અંગે જિલ્લામાં એક્ટીવ કેસ ક્યા વિસ્તારમાં છે તેની વિગતો મેળવી હતી. તેમણે આ અભિયાનના સુચારુ આયોજન માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું. રક્તપિત્ત અને તેના દર્દીઓ માટે સમાજમાં રહેલી નકારાત્મક બાબતોને દૂર કરવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સંદેશો આપતા જિલ્લા કલેકટર શ્રીએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે સમાજમાં જાગૃત્તિ આવે તે આવશ્યક છે. રક્તપિત્ત ને ઓળખવો સરળ છે, તેની સારવાર ઉપલબ્ધ છે. જિલ્લામાં રક્તપિત્તના નવા દર્દીઓ શોધવા માટે ઉપલબ્ધ સંભવિત તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય અને યોગ્ય રીતે દરેકને સારવાર મળે તે આવશ્યક છે. જિલ્લામાં વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રક્તપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે થતાં ભેદભાવ સહિતની નકારાત્મક લાગણીઓને દૂર કરવા સમગ્ર આરોગ્ય તંત્ર કાર્ય કરશે. આ પ્રકારના વ્યક્તિઓને સમાન મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વધુમાં વધુ યોગદાન આપવામાં આવે તે જરુરી છે. આપણે સૌ ‘ઘૃણા કે ભેદભાવમાં શૂન્ય સહિષ્ણુતા’ માટે ‘ઘૃણાનો અંત લાવવા’ પ્રતિજ્ઞા કરીએ. રક્તપિત્તના લક્ષણો હોવાનું જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ અને જિલ્લા કક્ષાની સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments