અમરેલી જિલ્લામાં તેજીથી આગળ વધી રહી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ
અમરેલી જિલ્લામાં જૂન-૨૦૨૪ સુધીમાં ૧.૬૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. ચાલુ વર્ષે જ આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં ૯૨૨ જેટલી પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ યોજાઈ છે, જેમાં ૨૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે અમરેલીઆત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.એમ. નિનામા જણાવે છે કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની અસરકારક રીતે તાલીમ આપી શકાય તે માટે જિલ્લામાં ૧૨૪ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે અને આ દરેક ક્લસ્ટર વાર એક એટલે કે, ૧૨૪ ફાર્મર માસ્ટર ટ્રેનર નિમવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦૩ ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે. એક ક્લસ્ટરમાં ૫-૫ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવી છે.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈ, વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત એટલે કે, ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આ સાથે ખેતીવાડી વિભાગ-શાખા સાથે જોડાયેલા ગ્રામ સેવક, બાગાયત મદદનીશ, ખેતી મદદનીશ પણ પ્રાકૃતિક કૃષિ અંગેનું ટેકનિકલ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે.
જિલ્લામાં યોજાતી પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જરુરી ડેમોસ્ટ્રેશન કરવાની સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ એવા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને સહજીવન એટલે કે મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિગતવાર જાણકારી આપવામાં આવે છે.જિલ્લામાં જુદા-જુદા તાલુકામાં પ્રાકૃતિક કૃષિની આયોજનબદ્ધ રીતે તાલીમ આપવામાં આવી રહી છે. જેના પરિણામે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમ તેજીથી આગળ વધી રહી છે.આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા અને ટીમ આત્મા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ વધારવા માટે સતત જહેમત ઉઠાવી રહી છે.
Recent Comments