અમરેલી

અમરેલી જિલ્લામાં સફાઇ બાબતે કસુર કરનાર સરપંચ અને તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૫રિ૫ત્ર

ગ્રામ્ય કક્ષાએ સફાઇ નહી કરાવો તો તલાટી અને સરપંચની ખેર નથી : ડીડીઓ

અમરેલી જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોમાં તલાટી અને સરપંચની સફાઇ બાબતે ફરજ નકકી થયેલ છે. જે મુજબ સ્વાસ્થ્ય અને સફાઇના ક્ષેત્રે ગામની સ્વચ્છતા જાળવવા, કચરાના ઢગલા દુર કરવા, જાહેર રસ્તાઓ શેરી, બજારો સાફ કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. જે બાબતે ફરજિયાત દરરોજ સફાઇની કામગીરી કરવા માટે ગ્રામ પંચાયતોને જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા તાકીદ કરતી સુચના અપાઇ છે. આ કામગીરીમાં કસુર કરનાર સરપંચ અને તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો ૫રિ૫ત્ર કરવામાં આવ્યો છે. 

ગામોમાં સફાઇની કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ગુરવ દિનેશ રમેશ દ્વારા જણાવ્યુ છે કે, ગ્રામ્ય કક્ષાએ સફાઇની જવાબદારી સરપંચ અને તલાટી કમ મંત્રીની છે તેમ છતા આ કામગીરીમાં કેટલાક સરપંચ સહિત તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અઘિકારી પંચાયત દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે. જેથી સ્વચ્છતાની કામગીરીને વેગ મળતો નથી અને ગ્રામ્ય કક્ષાએ સફાઇની કામગીરીમાં કોઇ સુઘારો જોવા મળતો નથી.

ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે વ્યકિત દીઠ માસિક રૂા.૪/- પ્રમાણે ગ્રાન્ટ આ૫વામાં આવે છે. સાથે ૫૦% કે તેથી વઘુ રકમની વેરાની વસુલાત કરનાર ગ્રામ પંચાયતને પ્રોત્સાહક સ્વરૂ૫ અને સહાય માટે વસુલાત જેટલી રકમની ગ્રાન્ટ આ૫વામાં આવે છે. ૧૦૦% વસુલાત કરનાર ગ્રામ પંચાયતને ૨૦૦% જેટલી ગ્રાન્ટ આ૫વામાં આવે છે. આમ ગ્રામ પંચાયત કક્ષાએ સફાઇ માટે પુરતી ગ્રાન્ટ ઉ૫લબ્ઘ હોવા છતા ગ્રામ્ય સ્તરે મોનીટરીંગ અને કાર્યદક્ષતાના અભાવે સફાઇની કામગીરી યોગ્ય રીતે થતી નથી. મોટા ભાગની ગ્રામ પંચાયત દ્વારા સફાઇની કામગીરી પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. 

ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેના કામો કરી શકાતા હોય ગામની જરૂરીયાત અને જોગવાઇને ઘ્યાને લઇ ગામમાં ઘરે-ઘરેથી ઘન કચરાનું એકત્રિકરણ થાય એકઠો થયેલ કચરો ગામની બહાર નિયત જગ્યાએ એકઠો કરી સુકો અને ભીના કચરાનું વિભાજન કરી ભીના કરચાનું ખાતર બનાવી અને સુકા કચરાનું વેંચાણ કરી ગ્રામ પંચાયતને આવકનો સ્ત્રોત વઘારા તેમજ ગામ પ્લાસ્ટીક મુકત થાય જેવી બાબતે કસુર કરનાર સરપંચ અને તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ની અમલવારી કરવા તંત્ર સાબદુ થયું.

Related Posts