અમરેલી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૨૨૯ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી
રાજ્યમાં જળ સિંચનના ભગીરથ પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અમલીકરણ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષશ્રી અજય દહિયાએ જળ સિંચનના ૨૨૯ કામોને મંજૂરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૪ અંતર્ગત થનારા કામોમાં લોકભાગીદારીથી જોડાનારા સંસ્થાઓને ખોદકામ કેવી રીતે અને ક્યાં કરવું તેનો સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવે. આ ઉપરાંત થનારા કાર્યોની સમયાંતરે સમીક્ષા યોગ્ય રીતે કરવામાં આવે. આ ઉપરાંત સમગ્ર અભિયાન બે તબક્કામાં યોજવામાં આવે.
આ બેઠકમાં જળસિંચન રાજ્ય, જળ સિંચન વિભાગ પંચાયત, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વોટરશેડ, મનરેગા, નગરપાલિકા હસ્તકના જળસિંચનના તાલુકા મુજબના કામોની અને નગરપાલિકા વિસ્તારના કામોની વિગતવારે જિલ્લા કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી. તેમણે સમગ્ર અભિયાનના સુચારું આયોજન માટે જરુરી સૂચનો કર્યા હતા.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં તળાવો, નાની સિંચાઈ યોજના, ચેકડેમના ડીસીલ્ટીંગ, સ્ટોર્મ વોટરની ચેનલની સાફ સફાઈ વગેરે કામો કરવામાં આવે છે. આ કાર્યો થકી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી તેમજ વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments