અમરેલી જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ

અમરેલી જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાનનો દબદબાભેર પ્રારંભ થયો હતો. સાંસદ તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ શાળાઓ ની મુલાકાત લીધી હતી.
રાજ્ય સરકાર દ્વારા આજે ૩ જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલીના ગજેરા સંકુલ કેમ્પસમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરીઓને વેક્સીન આપવાના અભિયાનનો સાંસદ નારણભાઇ કાછડીયાએ પ્રારંભ કરાવ્યો હતો. સાંસદની સાથે આરોગ્ય અધિકારીઓ, ગજેરા સંકુલના ટ્રસ્ટીઓ, શાળાના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે અમરેલીની વહેલી સવારે અમરેલીની જીજીબેન ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાત લઈ આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હાલ ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના સામે કવચ પૂરું પાડવા જિલ્લાની ૨૫૪ જેટલી શાળાઓમાં આરોગ્ય ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ૨૫ હજારથી વધુ બાળકોનું રસીકરણ કરવાનો લક્ષાંક સિદ્ધ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ પહેલા જન્મેલા બાળકોના વાલીઓને પોતાના બાળકને વહેલી તકે વેક્સીન અપાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે જિલ્લામાં ૧૮ વર્ષ ઉપરના મોટાભાગના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ આજથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને આગામી દિવસો માં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે.
Recent Comments