અમરેલી

અમરેલી જિલ્લામાં ૯૫૧ બાળકો-બાળાઓ ધો.૧માં પ્રવેશ સાથે પોતાના અભ્યાસની પા પા પગલીઓ માંડશે

પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળે અને કન્યા કેળવણીનું મહત્વ વધે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડે નહિ, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણનો આ મહાયજ્ઞ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી એ અસરકારક નીવડ્યો છે. મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૨ જુન થી તા.૧૪ જુન,૨૦૨૩ સુધી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી હશે ભૂલકાઓના ઉજ્જવળ, સુંદર મજાના ભવિષ્યની શરુઆતની. વર્ષ ૨૦૨૩-૨૪માં અમરેલી જિલ્લામાં ધો.૧માં કુલ ૯૫૧ બાળકો-બાળાઓ પ્રવેશ પ્રાપ્ત કરશે. જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ છે. અમરેલી તાલુકામાં કુમાર ૬૩ અને કન્યા ૮૫, લાઠી તાલુકામાં કુમાર ૨૪ અને કન્યા ૧૪, લીલીયા તાલુકામાં કુમાર ૨૩ અને કન્યા ૯, બાબરા તાલુકામાં કુમાર ૨૯ અને કન્યા ૨૫, કુંકાવાવ તાલુકામાં કુમાર ૨૮ અને કન્યા ૨૬, બગસરા તાલુકામાં કુમાર ૧૨ અને કન્યા ૫, ધારી તાલુકામાં કુમાર ૩૯ અને કન્યા ૩૭, ખાંભા તાલુકામાં કુમાર ૨૦ અને કન્યા ૨૪, રાજુલા તાલુકામાં કુમાર ૯૭ અને કન્યા ૯૪, જાફરાબાદ તાલુકામાં કુમાર ૫૨ અને કન્યા ૩૮, સાવરકુંડલા તાલુકામાં કુમાર ૧૧૬ અને કન્યા ૯૧ સહિત ૯૫૧ બાળકો-બાળાઓ સમગ્ર જિલ્લામાં ધો.૧માં પ્રવેશ પ્રાપ્ત કરવાની સાથે સાથે પોતાના અભ્યાસ જીવનની પા પા પગલીઓ માંડશે.

Related Posts