અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત અમરેલી @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન

ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન – કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘વિકસિત અમરેલી @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ’  અતંર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૪૭ માટેના રાષ્ટ્રનું વિઝન રજુ કર્યુ છે, આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દિ સુધીમાં દેશને વિકાસને નવી ફલક પર લઇ જવાનો છે. ‘નવા ભારત’ની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃધ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી છે, તે વિઝનને વિકસિત ભારત @ ૨૦૪૭ તરીકે ઓળખવામાં આવે છે.   

રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારાવિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત@ ૨૦૪૭ તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યનાં આ વિઝનને સાકાર કરવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટકાઉ વિકાસને લગતા અગત્યના નિર્દેશકો ધ્યાને લઇ ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો નિયત કરી અમરેલી જિલ્લા માટે વિકસિત અમરેલી @ ૨૦૪૭ નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડ મેપ તૈયાર કરવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લાને વિકસિત અમરેલી બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે. સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે.  આ તકે તેમણે અમરેલી જિલ્લામાં શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું.  આગામી દાયકાઓમાં વિકાસની દ્વષ્ટિએ એશિયા ખંડમાં, ભારત દેશ માટે અપાર તકો છે ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે.

વર્કશોપના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયાએ કહ્યુ કે, તમામ વિભાગના અધિકારીશ્રીઓ આ વિઝન ડોક્યુમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે ભવિષ્યનું આયોજન પોતાના વિભાગમાં ૧૦ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી, હાલમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તેના આધારે કામ કરે. આ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત ઇઝ ઓફ લીવીંગ અને ઇઝ ઓફ એર્નીંગ બે મહત્ત્વના પાસા છે તેને આવરી લેતા સંબંધિત વિભાગો વિઝન ડોક્યુમેન્ટની તૈયારી કરે.

જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી જ્યારે આંડકા અધિકારી દ્વારા વિકસિત અમરેલી @ ૨૦૪૭ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મેનેજરશ્રી, જિલ્લા ઉધોગ કેન્દ્ર તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ૨૦૪૭ સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો.

આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંશાધનના વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ,  સામાજિક-આર્થિક વિકાસની સાથે-સાથે માળખાગત સુવિધાઓ, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા ‘Living Well અને Earning Well’ના સિધ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુન્ટ તૈયાર કરવા વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ પ્રગતિ, સમૃધ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવિષ્ટ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે.આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારીશ્રી અને જિલ્લા આંકડા અધિકારીશ્રીએ કર્યુ હતુ. 

Related Posts