અમરેલી

અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

દેશના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવાના હેતુથી અમરેલી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી અને તાલુકાના સર્વે અધિકારીશ્રીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ કહ્યુ કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગત વર્ષની જેમ ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. જિલ્લાના એક એક ગામ, તાલુકા અને શહેરમાં શાનથી તિરંગો લહેરાવી નાગરિકોને રાષ્ટ્રભક્તિમાં સ્વંયભૂ જોડાવા માટે અનુરોધ છે, આ કાર્યક્રમ માટે સંબંધિત અધિકારીશ્રીઓએ આયોજન કરવાનું રહેશે. જિલ્લાના પ્રત્યેક ઘર, સહકારી, શૈક્ષણિક સંસ્થાઓ,ઔદ્યોગિક અને  ખાનગી એકમો, વેપારીઓ દ્વારા તિરંગો લહેરાવામાં આવે તે માટે જરુરી વિગતો અને માર્ગદર્શન પહોંચાડવાનું રહેશે.

તેમણે ઉમેર્યુ કે, દેશભક્તિની થીમ પર ‘તિરંગા યાત્રા’ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ માટેની વિગતવાર તૈયારી તેમજ સૂચના પણ આગામી સમયમાં આપવામાં આવશે.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીશ્રીઓને તેમણે કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક), જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપરાંત અન્ય કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.

Related Posts