અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી સુધી વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વ્યાજખોરીના દૂષણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં પોલીસ વડાશ્રી હિમકર સિંહના નેતૃત્વમાં આ ઝુંબેશ યોજાશે. જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જોઈ કોઈ વ્યક્તિ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજદરોથી વધારે વ્યાજદરની વસૂલાત કરતું હોય તો તેની ફરિયાદ કરવી. નાગરિકો પોતાના વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં રુબરુ, ટપાલથી નામજોગ ફરિયાદ કરી શકે છે. નાગરિકોની ફરિયાદ પરથી તપાસ કરી, ગુન્હો દાખલ કરી અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. જરુર જણાય તો નાણા ધીરનાર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારના નિયમ મુજબ નાણા ધીરનાર વ્યક્તિ/પેઢી વાર્ષિક ૧૫% વ્યાજદર (કોઈપણ જાતની સિક્યોરિટી વગર) અને વાર્ષિક ૧૨% સિક્યોરિટી સાથે આપેલી લોન વસૂલ કરી શકે છે. વધુમાં નાણા ધીરનાર કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર વ્યાજે નાણા આપી શકતા નથી. આ અંગે નાગરિકો જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ચિત્તલ રોડ, અમરેલી અથવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સરકારી હોસ્પિટલની બાજુમાં, સાવરકુંડલાનો સંપર્ક કરી શકે છે, તેમ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વોરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments