અમરેલી જિલ્લા રોલ ઓબ્ઝર્વર અને જામનગર મ્યુનિસિપલકોર્પોરેશન કમિશ્નર ડી.એન.મોદી અમરેલી જિલ્લાની મુલાકાતે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ શરુ છે. અમરેલી જિલ્લા રોલ ઓબ્ઝર્વર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી ડી.એન.મોદીએ અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. અમરેલી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા રોલ ઓબ્ઝર્વર શ્રી ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધીશ્રીઓ તેમજ ચૂંટણી અને પ્રાંત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા રોલ ઓબ્ઝર્વર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી ડી.એન.મોદીએ, રાજકીય પક્ષના પ્રતિનિધીશ્રીઓને બુથ લેવલ એજન્ટની નિમણુકની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યુ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ હોય ખાસ ઝુંબેશ સિવાયના દિવસોમાં પણ આ કામગીરી શરુ હોય વધુમાં વધુ મતદાતાઓને મતદાર નોંધણી માટે જ્ઞાત કરવા વિશેષ પ્રયાસ કરવા પણ તેમણે અપીલ કરી હતી.
જિલ્લા રોલ ઓબ્ઝર્વરશ્રી મોદીએ અમરેલી જિલ્લાની ભૌગોલિક અને લોકજીવનની વિગતો મેળવી હતી. મતદાતા નોંધણીમાં બાકી હોય તેવા દિવ્યાંગ મતદાતાઓ અને ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા યુવા નાગરિકો મતદાર યાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે જરુરી છે આથી ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓને મહતમ મતદાર નોંધણી માટે નાગરિકોને અવગત કરી તેમની નોંધણી માટે વધુ પ્રયત્નો હાથ ધરવા તેમણે કહ્યું.
શ્રી ડી.એન.મોદીએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ ફોર્મ્સ વિતરણ થાય અને જિલ્લામાં મતદારયાદી સુધારણા કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી. જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે SVEEP અંતર્ગત થતાં કાર્યક્રમો વધારવા, મતદારોને મતદાનનું મહત્વ સમજાય અને મતદાર નોંધણી બાકી હોય તેમને મતદાર નોંધણીની વિગતો મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવા અને તે તમામ કામગીરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર શેઅર થાય તે જોવા જણાવ્યુ હતુ.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સતત શરુ છે ત્યારે મતદાર યાદી ક્ષતિ રહિત, પારદર્શી, શુધ્ધ બને અને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વધુ સક્રિય થઇ શકાય અને મતદાર યાદીમાં ભૂલ હોય તો તે સુધારા-વધારા કરી શકાય.
મહત્વનું છે કે, તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ જિલ્લામાં મતદારોની સંખ્યા ૧૨,૪૫,૭૫૬ છે, કુલ મતદાન મથકની સંખ્યા ૧,૩૭૧ છે તેના પર એક-એક એમ કૂલ ૧,૩૭૧ બુથ લેવલ ઓફિસર અને મતદારોના રજીસ્ટ્રેશન માટે ૫ અધિકારીશ્રીઓ, ૧૮ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ૧૩૦ બીએલઓ સુપરવાઇઝર ફરજરત છે. ૩૦ કેમ્પસ એમ્બેસેડરની પસંદગી કરવામાં આવી છે. જિલ્લામાં દિવ્યાંગ શ્રેણી અંતર્ગત ૧૮ થી વધુ વય ધરાવતા ૧૮,૩૫૮ મતદાતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ૯૪-ધારીના શહેરી વિસ્તારમાં ૩૮, ગ્રામ્ય વિસ્તારમાં ૨૨૭ એમ કુલ ૨૬૫ મતદાન મથક, ૯૫-અમરેલી શહેરી વિસ્તારમાં ૮૨, ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૮ એમ કુલ ૨૯૦ મતદાન મથક, ૯૬-લાઠી શહેરી વિસ્તારમાં ૩૯, ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૭ એમ કુલ ૨૩૬ મતદાન મથક, ૯૭-સાવરકુંડલા શહેરી વિસ્તારમાં ૬૬, ગ્રામ્ય વિસ્તારમાં ૨૨૦ એમ કુલ ૨૮૬ મતદાન મથક, ૯૮-રાજુલા શહેરી વિસ્તારમાં ૫૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪૧ એમ કુલ ૨૯૪ મતદાન કેન્દ્ર છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧,૦૯૩ અને શહેરી વિસ્તારમાં ૨૭૮ મળી ૧,૩૭૧ મતદાન કેન્દ્રો છે. આ તમામ મતદાન કેન્દ્રો પર પુરુષ અને સ્ત્રીઓ માટે શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
સમગ્ર બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વાળાએ કર્યુ હતુ. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રી, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments