અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.સાંસદશ્રી અને ધારાસભ્ય સર્વશ્રીઓએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, પીવાનું પાણી, સિંચાઇનું પાણી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, સોલાર ઉર્જા, ખેડુત સહાય, વિવિધ કિસ્સાઓમાં વળતર સહાય, યાત્રાળુઓને પ્રવાસન ધામ તરફ જવા અને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા કે સમયમાં ફેરફાર કરી આપવા, આંગણવાડીના બાંધકામ સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ, જિલ્લામાં વિવિધ કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને આંતરિક સંકલનમાં સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરવા સૂચના આપી હતી. તાલુકા સંકલનમાં આવતી રજૂઆતો અને બાબતોને ધ્યાને લઇ તાલુકા સ્તરે તે સમસ્યા કે પ્રશ્નનો નિકાલ થઇ શકે તે જોવા તેમણે તાકીદ કરી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઉપરાંત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા રોડ સેફટીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી. કાકડીયા, શ્રી મહેશભાઇ કસવાળા, શ્રી જનકભાઇ તળાવિયા અને શ્રી હિરાભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી હિમકર સિંઘ, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિત અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ.
Recent Comments