અમરેલી

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૭ થી તા.૨૯ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જૂન-૨૦૨૪ની તા.૨૭-૨૮-૨૯ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. ભૂલકાઓ અને ધો. ૦૧ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ સાથે આ વર્ષે પ્રાથમિક શિક્ષણમાંથી માધ્યમિક શિક્ષણમાં ધો. ૦૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પણ શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

       આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ આયોજન અને અમલીકરણ સમિતિની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણીએ અમરેલી જિલ્લામાં યોજવામાં આવનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની રુપરેખા આપી હતી.  નિવાસી અધિક કલેક્ટરશ્રીએ કાર્યક્રમના રુટ, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતે કરવાની થતી વ્યવસ્થાઓ અને આયોજન અંગેની વિગતો મેળવી, તમામ આયોજન સુચારુ રીતે થાય તે માટે શિક્ષણ કચેરીના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

       અમરેલી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સંભવિત ૯૫ રુટ પર ૭૫૯ પ્રાથમિક શાળાઓ અને ૧૭૫ માધ્યમિક શાળાઓમાં પ્રવેશપાત્ર ધો.૦૧માં ૫,૭૪૪ કુમાર તેમજ ૫,૪૭૮ કન્યા સહિત ૧૧,૨૨૨, ધો. ૦૯માં ૬,૫૫૫ કુમાર, ૬,૧૮૮ કન્યા સહિત ૧૨,૭૪૩, આંગણવાડીમાં ૨,૫૦૬ કુમાર, ૨,૩૮૭ કન્યા સહિત ૪,૮૯૩, બાલવાટિકામાં ૪૫૯૭૩ કુમાર, ૫૮૪૯ કન્યા સહિત ૧૧,૮૨૨ બાળકોનો પ્રવેશ થશે. દરેક રુટ પર રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવોને સોંપવામાં આવેલી ફરજ મુજબ કાર્યક્રમ યોજાશે.

        ૫૦%થી નીચે સાક્ષરતા ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં ધો.૦૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને તથા શહેરી વિસ્તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા વાલીની, ધો.૦૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને શાળા પ્રવેશ સમયે કન્યા દીઠ રુ.૨,૦૦૦ના વિદ્યાલક્ષ્મી બોન્ડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જે કન્યા ધો. ૦૮ સુધી અભ્યાસ પૂર્ણ કરે તેવી કન્યાઓને પાકતી મુદ્દતે બોન્ડની રકમ રુ.૨૦૦૦ નિયત વ્યાજની રકમની ચૂકવણી કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ચાલુ વર્ષે ધો.૧માં પ્રવેશ મેળવનાર ૧,૯૪૪ કન્યાઓને કન્યા દીઠ રુ. ૨,૦૦૦ના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ધો.૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર ૧,૬૬૧ કન્યાઓને બોન્ડની પાકતી મુદતની રકમની ચૂકવણી કરવામાં આવશે.

        આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને આરટીઇ નોડલ અધિકારીશ્રી સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત કચેરીના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts