અમરેલી

અમરેલી જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિર સંપન્ન

અમરેલી જિલ્લા જજ શ્રી રિઝવાના બુખારીએ અમરેલી  જિલ્લા જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિર કરવાની પ્રેરણા આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદી તથા જેલ અધિક્ષક શ્રી ડી.પી.રબારીએ જહેમત ઉઠાવીને અમરેલી જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિરનું આયોજન હાથ ધર્યુ હતુ.વિપશ્યના સાધના એ ધ્યાનની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલા આ વિપશ્યના સાધનાનો આવિષ્કાર કર્યો અને જન સમુદાયને અમૂલ્ય ભેટ આપી હતી. અંતરમનના ઉંડાણે પહોંચીને આત્મ નિરીક્ષણ દ્વારા આત્મ શુદ્ધિની સાધના છે. ઘણા વર્ષ પૂર્વે શ્રી કિરણ બેદી દ્વારા તિહાડ જેલમાં વિપશ્યના સાધનાની શરુઆત કરવામાં આવી હતી. જેલના કેદીઓ એ એક એવો વર્ગ છે કે જેમને આ સાધના થકી મનનું સ્વાસ્થ્ય સુધારવાની અત્યંત આવશ્યકતા રહે છે.અમરેલી વિપશ્યના કેન્દ્રના માર્ગદર્શક શ્રી દ્વારકાદાસ લલાડીયાએ જિલ્લા જેલ ખાતે સદર શિબિરમાં વિપશ્યના અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આશરે ૩૦૦ જેટલા કેદીઓએ આ સાધનાનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેદીઓને ‘ડોક્ટરની દ્રષ્ટિએ વિપશ્યના’ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts