અમરેલી તાલુકાના વેણીવદર અને પીપળલગ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નું અમરેલી તાલુકાના વેણીવદર અને પીપળલગ ગામે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી છેવાડાના અંતિમ માનવીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કડીના ભાગરુપે વેણીવદર અને પીપળલગ ગામમાં લાભાર્થીઓને આયુષમાન કાર્ડ અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું નાયબ મુખ્ય દંડક શ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વેણીવદર મુકામે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેંટી વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ અને તેના થકી લાભાર્થીઓને મળતા યોજનાકીય સહાય અંગે તેમણે વિગતો આપી હતી. કોરોના કાળથી શરુ થયેલી નિ:શુલ્ક અનાજ વિતરણની યોજનાના વ્યાપક સકારાત્મક પરિણામો વિશે પણ તેમણે જણાવ્યુ હતુ.
તેમણે કહ્યુ કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે તેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી દેશના ગામે-ગામે આ રથ પરિભ્રમણ કરી રહ્યો છે જેનો લાભ નાનામાં નાના માણસને મળી રહ્યો છે. આ પ્રસંગે તેમણે દેશભરમાં થયેલા કોરોના રસી કરણના સફળ કાર્યક્રમ વિશે પણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને સમજાવતું ‘ધરતી કરે પુકાર‘ નાટક ભજવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોના આરોગ્યની તપાસણી, સ્થળ પર યોજનાઓનો લાભ, માહિતી અને ફોર્મ ભરવા સહિતની કામગીરીને પણ આવરી લેવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે વેણીવદર મુકામે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. આ સાથે તેમણે લોક પ્રશ્નોના નિરાકરણ લાવવાના ઉત્તમ અભિગમ બદલ નાયબ મુખ્ય દંડક શ્રીનું અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે અમરેલી તાલુકાના વેણીવદર મુકામે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જંગર જૂથ યોજના અંતર્ગત ખૂટતા સ્ટોરેજની કડીમાં ૦૧ લાખ લીટરની ક્ષમતા ધરાવતા સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આશરે રુ.૦૫ લાખના ખર્ચે બનનારા સંપથી ગ્રામજનોની પાણી પુરવઠાને લગતી સુવિધામાં ઉમેરો થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક શ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચ શ્રીઓ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments