અમરેલી પંથકમાં જીવ બચાવવા પશુઓ ભાગતા જ સિંહે વાછરડાને દબોચ્યું
અમરેલી જિલ્લામા આવેલ રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં મોડીરાત્રે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારે અને પશુઓનો શિકાર કરતા હોવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. આવી જ એક ઘટના રાજુલાના કાતર ગામમાં બની છે. જ્યાં રાત્રીના અંધકારમાં સાવજાેના ટોળા ગામમાં ઘૂસે છે. સિંહોને જઇને પશુઓ જીવ બચાવવા આમ તેમ ભાગે છે. જાેકે સિંહ ૨૦ જ સેકન્ડમાં વાછરડાને ગરદનથી પકડી તેનો શિકાર કરી નાંખે છે અને ગામની નાનકડી શેરીમાં મિજબાની માણે છે. આ સમગ્ર રોમાંચક ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. તો સ્થાનિક રહેવાસીએ પણ મિજબાની માણતા સિંહને કેમેરામાં કેદ કર્યો હતો. વાછરડાનો શિકાર કરતા સાવજના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે. રાત્રે ૧૨ વાગ્યે શેરીમાં પશુઓએ જીવ બચાવવા દોડધામ મચાવી હતી. પશુઓની પાછળ સાવજાે દોડી રહ્યાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. શેરીઓમાં શિકારની પાછળ દોડતા સિંહોને જાેઇને સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કાતર ગામની આસપાસ સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ છે. જેના કારણે શિકારની શોધમાં અવાર નવાર સિંહો આ વિસ્તારમાં આવી ચડે છે. જેના કારણે રહેવાસીઓમાં ભય ફેલાયો છે. આ ઘટનાને લઇને વન વિભાગને જાણ કરવામાં આવી હતી જાેકે વન વિભાગ દ્વારા મોડે મોડે ગામની મુલાકાત લેવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. કાતર ગામમાં સિંહોના ટોળા પશુઓની પાછળ દોડ્યા હતા જે દરમિયાન એક વાછરડું સિંહની પકડમાં આવી ગયું હતું. સિંહે ૨૦ સેકન્ડ સુધી વાછરડાની ગરદન પકડી રાખીને તેને મોતને ઘાટ ઉતારી દીધું હતું. એ સમયે ત્યાં એક બાઈક સવાર પહોંચી જતી સિંહ વાછરડું મૂકીને બીજી ગલીમાં જતો રહ્યો હતો અને બાદમાં પાછો ફરી સિંહે વહેલી સવાર સુધી મિજબાની માણી હતી.
સ્થાનિક રહેવાસી ભુપતભાઈએ જણાવ્યું છેકે, ગામમાં વારંવાર સિંહો ઘૂસી જાય છે અને વન વિભાગને જાણ કરવા છતાં કોઇ આવતું નથી. અહીં પશુનો શિકાર તો ચાલુ જ હોય છે, પણ જાે આ સિંહો માનવીઓ પર હુમલો કરશે તો એ માટે જવાબદાર કોણ? વન વિભાગને આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સિંહો ગામમાં ન આવે એ માટે વન વિભાગ ધ્યાન આપે તે જરૂરી છે. આ ઘટના અંગે ગામના સરપંચ અંબરીશભાઈ વરૂ દ્વારા પણ વન વિભાગને જાણ કરાઈ હતી અને રાત્રી દરમિયાન વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી રજૂઆત કરી છે.
Recent Comments