અમરેલી પંથક ટાઢુંબોળ, પવન ફુંકાતા લોકો ઠુંઠવાયા
છેલ્લા દિવસોમાં અમરેલી પંથકમાં ટાઢુંબોળ વાતાવરણ થઇ ગયું છે, પારો 14 ડિગ્રીએ ગગડતાં સાથે ભેજનું પ્રમાણ વધવાની સાથે ભારે પવન ફુંકાતા લોકો ઠુંઠવાયા હતા.
અમરેલી પંથકમા પડી રહેલી કડકડતી ઠંડીએ લોકોને થરથર ધ્રુજાવ્યા છે. આજે પણ સવારથી આકાશ ધાબડીયુ રહ્યું હતુ અને હવામા ભેજનુ પ્રમાણ વધવાની સાથે પવનની ગતિ પણ વધતા આખો દિવસ વાતાવરણ ટાઢુબોળ રહ્યું હતુ. વહેલી સવારે તો કાતિલ ઠંડીના કારણે જાણે જનજીવન થીજી ગયુ હતુ. શહેરમા પાછલા કેટલાક દિવસોથી તાપમાનનો પારો નીચો રહેતો હોય કડકડતી ઠંડી પડી રહી છે. થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઇ હતી. જો કે કયાંય પણ માવઠુ થયુ ન હતુ. બાદમા વાતાવરણ ચોખ્ખુ થતા કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઇ હતી.
શહેરનુ મહતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ વધીને 77 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 8.2 કિમીની રહી હતી. સવારથી આકાશમા વાદળો ઘેરાયા હતા અને વાતાવરણ ધાબડીયુ જોવા મળ્યું હતુ. ભેજની સાથે પવનની ગતિ પણ વધતા આખો દિવસ ટાઢોડું છવાઇ ગયુ હતુ અને કડકડતી ઠંડીના કારણે જાણે જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. રાત્રીના સુમારે ઠંડીથી બચવા લોકો ઠેરઠેર તાપણાનો સહારો લેતા પણ નજરે પડયા હતા.
Recent Comments